<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

જયાં અત્‍યંત સ્‍નેહ હોય ત્‍યાં શંકા-સંદેહ હોય જઃ પૂ. મોરારીબાપુઃ દિલ્‍હીમાં શ્રી રામકથાનો વિરામ

 

રાજકોટઃ વિશ્‍વશાંતિ કેન્‍દ્ર-અહિંસા વિશ્‍વભારતી-દિલ્‍હીના ભારત મંડપમ્‌માં પ્રવાહિત થયેલી ‘માનસ સનાતન ધર્મ' રામકથાનું રવિવારે ભાવમય વાતાવરણમાં વિરામ થયો હતો. આઠમા દિવસની કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું હતું કે, મને એક શ્રોતાએ પ્રશ્‍ન પૂછયો છે કે બાપુ, તમે જે રામચરિત માનસની કથા કરો છો એમાં સનાતન ધર્મની ગંધ છે? જવાબઃ હા, છે પણ એના માટે નાક હોવું જોઇએ. આપણી વૈદિક સભ્‍યતા-સનાતની સત્‍યો એ બધું જ માનસમાં છે તમે મારી વાત ન માનો પણ ભગવાન સાયનાચાર્ય અને બીજા ઘણા આચાર્યોએ કીધું છે એની તો માનશોને? સનાતન ધર્મનો ગ્રંથ એ છે જેમાં જ્ઞાન-વિજ્ઞાની વાત હોય, બીજું-જીવનને કર્મયોગી બનાવે-પ્રમાદી ન બનાવે, ત્રીજું-જેમાં જુદી જુદી ઉપાસના પધ્‍ધતિઓનું જ્ઞાન હોય અને ચોથું-સાધકની નિતાંત શરણાગતિ-પ્રસન્‍નતા-દૃઢાશ્રય વગેરે તત્‍વોની વાત હોય સાયનાચાર્યજી જે તત્‍વોની વાત કરે છે એ ચારેય વસ્‍તુ માનસના પ્રારંભમાં જ છે. ‘રામચરિત માનસ' એ સર્વાધિક રીતે સમાતન ધર્મનો અંતિમ ગ્રંથ છે. જયાં અત્‍યંત સ્‍નેહ હોય ત્‍યાં શંકા-સંદેહ હોય જ છે. તેમ પૂ. મોરારીબાપુએ કહ્યું હતું. કથાના વિરામના અવસરે જૈનાચાર્ય લોકેશમુનિ ‘સનાતની' એ પૂ. બાપુનો હૃદયથી આભાર માન્‍યો હતો અને જુદા જુદા દાતાઓ દ્વારા વિશ્‍વશાંતિ કેન્‍દ્રને ધનરાશિ અનુદાન મળી છે એની જાહેરાત કરી અને સર્વ દાતાઓનો ઋણ સ્‍વીકાર કર્યો હતો. (-મનોજ જોશી ‘‘મજો'' રાજકોટ. મો. ૯૪ર૬ર ૪ર૧૧પ) 

(4:09 PM IST)