News of Tuesday, 27th January 2026
હરિયાણાના હિસારમાં હૃદયદ્રાવક ઘટના: રૂમમાં સગડી સળગાવીને સૂઈ રહેલા ૩ કામદારોના ગૂંગળામણથી મોત

હિસાર: હરિયાણાના હિસાર જિલ્લાના ઢંડૂર ગામમાં એક અત્યંત દુઃખદાયક ઘટના સામે આવી છે, જ્યાં ઠંડીથી બચવા માટે રૂમમાં સગડી સળગાવીને સૂઈ ગયેલા પાંચમાંથી ત્રણ શ્રમિકોના ગૂંગળામણના કારણે કરૂણ મોત નિપજ્યા છે. આ તમામ શ્રમિકો એક ફર્નિચર ફેક્ટરીમાં કામ કરતા હતા અને ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોખંડની ડોલમાં કોલસા સળગાવીને રૂમનો દરવાજો બંધ કરીને સૂઈ ગયા હતા. સવાર સુધી રૂમમાં કોઈ હલચલ ન થતા અને બહારની લાઈટ ચાલુ રહેતા અન્ય કર્મચારીઓને શંકા ગઈ હતી. જ્યારે બારીમાંથી ડોકિયું કરીને જોયું તો પાંચેય લોકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ ત્રણ શ્રમિકોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય બેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોની ઓળખ અનુજ, સાહિલ અને અમરજીત તરીકે થઈ છે, જેઓ ઉત્તર પ્રદેશના આઝમગઢના રહેવાસી હતા અને માત્ર પાંચ દિવસ પહેલા જ કામ અર્થે અહીં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે રૂમમાં ઓક્સિજનની કમી અને કાર્બન મોનોક્સાઇડ ગેસના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. ચોંકાવનારી વાત એ છે કે મૃતકોમાંના એક યુવકના લગ્ન હજુ બે મહિના પહેલા જ થયા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. શિયાળાની ઋતુમાં બંધ રૂમમાં સગડી સળગાવવી જીવલેણ સાબિત થઈ શકે છે તેવી ચેતવણી ફરી એકવાર કડવી વાસ્તવિકતા બનીને સામે આવી છે.
(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
