News of Tuesday, 27th January 2026
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત: મહાકાલના દર્શન કરીને પરત ફરી રહેલા ૪ મિત્રોના મોત

દૌસા: રાજસ્થાનના દૌસા જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર મંગળવારે વહેલી સવારે એક કાળજું કંપાવનારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઉજ્જૈનથી મહાકાલના દર્શન કરીને હરિયાણા પરત ફરી રહેલા મિત્રોની અર્ટિગા કાર પિલર નંબર ૧૯૩ પાસે આગળ જઈ રહેલા એક ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રક ચાલક કારને અંદાજે બે થી ત્રણ કિલોમીટર સુધી ઢસડી ગયો હતો, જેના કારણે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર પાંચમાંથી ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં રાહુલ, પ્રિન્સ, મોહન અને પારસ નામના યુવકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે જેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માત બાદ કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે પોલીસ અને સ્થાનિક લોકોને અંદાજે બે કલાક સુધી ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પ્રાથમિક અંદાજ મુજબ, કારની ગતિ ખૂબ જ વધારે હતી અથવા ડ્રાઈવરને ઝોકું આવી ગયું હોવાને કારણે આ અકસ્માત થયો હોઈ શકે છે. આ ઘટનાને પગલે એક્સપ્રેસ-વે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ધાર્મિક યાત્રાએ ગયેલા આ યુવકોના મોતથી તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
(5:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
