<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

શ્રીનગરના લાલચોકમાં ગુજરાતના પ્રવાસીએ તિરંગાના રંગમાં શરીર રંગીને ગુંજવ્યો ‘ભારત માતા કી જય’નો નારો

શ્રીનગરના ઐતિહાસિક લાલચોકમાં પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી જોવા મળી હતી. ગુજરાતના અમદાવાદથી આવેલા અરુણ નામના એક પ્રવાસીએ પ્રજાસત્તાક દિવસે ઘંટાઘર પાસે પોતાના શરીરને રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોમાં રંગીને આકર્ષણ જમાવ્યું હતું. અરુણે હાથમાં તિરંગો લહેરાવીને અને બ્રહ્મોસ મિસાઇલનું નાનું મોડેલ સાથે રાખીને ‘ભારત માતા કી જય’ ના નારા લગાવ્યા હતા. ૨૦૨૨ થી સતત શ્રીનગરની મુલાકાત લઈ રહેલા અરુણે આ પ્રસંગે દેશવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પોતાની દેશભક્તિના પ્રદર્શન દ્વારા કાશ્મીરમાં બદલાયેલી સ્થિતિ અને શાંતિનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો.

લાલચોકમાં દેશભક્તિના નારા લગાવતા અરુણે જણાવ્યું હતું કે, “હું ૨૦૨૨ થી સતત અહીં આવી રહ્યો છું અને અહીંની બદલાયેલી પરિસ્થિતિ જોઈને ખૂબ જ આનંદ થાય છે. હું ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સંદેશ આપવા માંગુ છું કે આજનો યુવા માત્ર સપના જોતો નથી પણ સપના સાકાર થતા જુએ છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે એક સમયે લાલચોક પર તિરંગો લહેરાવવો એ એક મોટો પડકાર હતો, પરંતુ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં હવે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. વર્ષ ૨૦૨૨ થી તેઓ એકલા અહીં આવીને નિર્ભયતાથી તિરંગો લહેરાવી રહ્યા છે અને દેશની આન, બાન અને શાનને સલામી આપી રહ્યા છે.

(5:25 PM IST)