નિપાહ વાયરસનો ફાટ નીકળતા એશિયાભરમાં ફફડાટ: એરપોર્ટ્સ પર કોવિડ જેવું કડક સ્ક્રીનીંગ શરૂ
પશ્ચિમ બંગાળમાં હેલ્થ વર્કરો ઝપેટમાં આવતા ચીન અને થાઈલેન્ડ એલર્ટ: ઈલાજ વગરના આ વાયરસથી બચવા સાવચેતી જ એકમાત્ર શસ્ત્ર

નવી દિલ્હી : કોરોનાકાળની યાદ અપાવતા સમાચાર ફરી એકવાર એશિયાઈ દેશોમાંથી આવી રહ્યા છે. ભારતના પશ્ચિમ બંગાળમાં પાંચ આરોગ્ય કર્મચારીઓમાં નિપાહ વાયરસના ચેપની પુષ્ટિ થયા બાદ એશિયાના મુખ્ય એરપોર્ટ્સ પર હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. થાઈલેન્ડ, નેપાળ અને તાઈવાન જેવા દેશોએ મુસાફરોની આરોગ્ય તપાસ કડક બનાવી દીધી છે, જ્યારે ચીને તેના નાગરિકોને નવા વર્ષની મુસાફરી દરમિયાન વિશેષ સાવધાની રાખવા અપીલ કરી છે.
નિપાહ એક અત્યંત ઘાતક ‘ઝૂનોટિક’ વાયરસ છે, જેનો મૃત્યુદર 40% થી 75% જેટલો ઊંચો છે. ચિંતાની વાત એ છે કે આ વાયરસ માટે હજુ સુધી કોઈ ચોક્કસ રસી કે દવા શોધાઈ નથી. એઈમ્સ (AIIMS) બિલાસપુરના પ્રમુખ ડૉ. નરેન્દ્ર અરોરાના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળમાં હાલમાં 100 થી 200 શંકાસ્પદ લોકો પર દેખરેખ રાખવામાં આવી રહી છે. કેરળ અને પશ્ચિમ બંગાળ આ વાયરસ માટે સંવેદનશીલ વિસ્તારો (Endemic) માનવામાં આવે છે.
ચામાચીડિયાથી ફેલાય છે આ જીવલેણ રોગ
નિપાહ વાયરસ મુખ્યત્વે ‘ફળ ખાનારા ચામાચીડિયા’ (Fruit Bats) દ્વારા ફેલાય છે. તેમના લાળ અથવા પેશાબથી દૂષિત થયેલા ફળો કે ખજૂરનો રસ પીવાથી આ વાયરસ મનુષ્યોમાં પ્રવેશે છે. એકવાર માણસ ચેપગ્રસ્ત થાય પછી તે અન્ય વ્યક્તિના સંપર્કમાં આવવાથી આ રોગ ઝડપથી ફેલાઈ શકે છે. આ જ કારણ છે કે હોસ્પિટલોમાં તૈનાત નર્સ અને ડોકટરો આ વાયરસનો શિકાર વધુ સરળતાથી બને છે.
લક્ષણો અને બચાવના ઉપાયો
નિપાહના લક્ષણોમાં તીવ્ર તાવ, માથાનો દુખાવો, ઉલટી અને મગજમાં સોજો આવવો (એન્સેફાલીટીસ) મુખ્ય છે. ડોકટરોના મતે, બચવા માટે નીચેની સાવધાની રાખવી અનિવાર્ય છે:
• ઝાડ પરથી પડેલા કે અડધા ખાધેલા ફળો ક્યારેય ન ખાવા.
• ફળોને ખાતા પહેલા ગરમ પાણીથી સારી રીતે ધોવા.
• ચેપગ્રસ્ત વ્યક્તિ કે પ્રાણીઓ (જેમ કે ડુક્કર) સાથે સીધો સંપર્ક ટાળવો.
• સ્વચ્છતા જાળવવી અને જરૂર પડે ત્યારે માસ્ક અને ગ્લોવ્ઝનો ઉપયોગ કરવો.
હાલમાં ભારત સરકાર અને રાજ્ય સરકારો આ વાયરસના ફેલાવાને રોકવા માટે સેમ્પલ ટેસ્ટિંગ અને આઈસોલેશનની પ્રક્રિયા તેજ કરી રહી છે. નિષ્ણાતોના મતે, આ રોગનો કોઈ ઈલાજ ન હોવાથી માત્ર સતર્કતા જ આપણને સુરક્ષિત રાખી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
