<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

મમતા કુલકર્ણીને હાંકી કઢાયા : શંકરાચાર્ય પર ટિપ્પણી પડી ભારે: કિન્નર અખાડાએ મહામંડલેશ્વર પદેથી હાંકી કાઢ્યા

ગ્લેમરની દુનિયા છોડી સન્યાસ ધારણ કરનાર પૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીએ અવિમુક્તેશ્વરાનંદને 'અહંકારી' અને 'આત્મજ્ઞાન વગરના' કહેતા આધ્યાત્મિક જગતમાં ભૂકંપ : અખાડાએ માત્ર ત્રણ જ દિવસમાં તમામ પદ છીનવી લીધા

પ્રયાગરાજ:  માઘ મેળામાં ચાલી રહેલો શંકરાચાર્ય વિવાદ હવે એક નવા અને અત્યંત નાટકીય વળાંક પર આવી ગયો છે. બોલિવૂડની ભૂતપૂર્વ અભિનેત્રી અને તાજેતરમાં જ કિન્નર અખાડામાં મહામંડલેશ્વર તરીકે જોડાયેલી મમતા કુલકર્ણીને અખાડામાંથી તાત્કાલિક અસરથી હાંકી કાઢવામાં આવી છે. કિન્નર અખાડાના વડા, લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ આ કડક નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સનાતન પરંપરામાં શંકરાચાર્યનું સ્થાન સર્વોપરી છે અને તેમની વિરુદ્ધની અભદ્ર ટિપ્પણી અખાડો ક્યારેય સ્વીકારશે નહીં. ઉલ્લેખનીય છે કે, હજુ ગત 24 જાન્યુઆરીએ જ મહાકુંભ દરમિયાન મમતા કુલકર્ણીને 'યમાઈ મમતા નંદ ગિરી' નામ આપીને સન્માનિત કરાયા હતા, પરંતુ તેમના વિવાદાસ્પદ શબ્દોએ તેમની આ ધાર્મિક ઈનિંગનો માત્ર 72 કલાકમાં અંત લાવી દીધો છે.

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે મમતા કુલકર્ણીએ માઘ મેળામાં પોલીસ અને શંકરાચાર્ય વચ્ચે થયેલી ખેંચતાણ પર આકરી પ્રતિક્રિયા આપી હતી. મમતાએ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને 'અહંકારી' કહ્યા હતા અને દાવો કર્યો હતો કે તેમણે પોતાનું સંત પદ અને ગરિમા ગુમાવી દીધી છે. મમતાએ તો ત્યાં સુધી કહી દીધું કે "ચાર વેદ વાંચવાથી કોઈ શંકરાચાર્ય બની જતું નથી, તેના માટે આત્મજ્ઞાન હોવું જોઈએ જે અવિમુક્તેશ્વરાનંદમાં નથી." તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો પક્ષ લેતા જણાવ્યું હતું કે શંકરાચાર્યએ પોતે તપસ્યા કરીને પ્રાયશ્ચિત કરવું જોઈએ. આ નિવેદનને કિન્નર અખાડાએ પાયાવિહોણું અને પર્સનલ એજન્ડા ગણાવીને મમતાને અખાડાની તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરી દીધા છે.

લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ સ્પષ્ટ કર્યું કે મમતાએ અખાડા સાથે ચર્ચા કર્યા વગર જ આવા વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે, જે સનાતન ધર્મની મજાક ઉડાવવા સમાન છે. મમતા કુલકર્ણીએ પોતાની 25 વર્ષની કથિત તપસ્યાનો હવાલો આપીને શંકરાચાર્યના જ્ઞાન અને તેમની નિમણૂક પર પણ સવાલ ઉઠાવ્યા હતા, જેનાથી અખાડા પરિષદમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હવે જ્યારે મમતા કુલકર્ણીને અખાડામાંથી બહાર કરી દેવામાં આવ્યા છે, ત્યારે સોશિયલ મીડિયા પર ફરી એકવાર 'સન્યાસ અને ભૂતકાળના વિવાદો' વચ્ચેના તાલમેલ પર ચર્ચા શરૂ થઈ છે. આધ્યાત્મિક નગરી પ્રયાગરાજમાં આ વિવાદે માઘ મેળાની ધાર્મિક આભામાં એક મોટું રાજકીય અને સામાજિક વમળ પેદા કર્યું છે.

(6:57 PM IST)