મિશન ઓટ્ટાવા: ખાલિસ્તાની નેટવર્ક પર ત્રાટકશે અજિત ડોભાલ : કેનેડાના પીએમ કાર્નીની ભારત મુલાકાત પહેલાં માસ્ટરપ્લાન તૈયાર
જસ્ટિન ટ્રુડો યુગના અવિશ્વાસને ખતમ કરવા ભારતનો 'ડોભાલ પ્લાન': ફેબ્રુઆરી ૨૦૨૬માં NSA કેનેડા જઈને આતંકવાદ સામે કડક કાર્યવાહીનો રોડમેપ બનાવશે : જેથી માર્ચમાં વડાપ્રધાન માર્ક કાર્ની સાથે માત્ર વેપાર અને ટેકનોલોજી પર વાત થઈ શકે

ઓટ્ટાવા: ભારત અને કેનેડા વચ્ચેના થીજી ગયેલા સંબંધોમાં હવે 'બરફ પીગળવાની' શરૂઆત થઈ ગઈ છે, પરંતુ આ વખતે શરતો ભારતની હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ આવતા મહિને, ફેબ્રુઆરી ૨૦૨૬માં એક અત્યંત ગુપ્ત અને મહત્વપૂર્ણ 'મિશન ઓટ્ટાવા' માટે રવાના થઈ રહ્યા છે. આ મુલાકાત માત્ર ઔપચારિકતા નથી, પરંતુ કેનેડાની ધરતી પરથી ભારત વિરોધી પ્રવૃત્તિઓ ચલાવતા ખાલિસ્તાની અલગતાવાદીઓ માટે ડેડલાઈન સમાન છે. ડોભાલના આ મિશનનો મુખ્ય હેતુ કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીની ભારત મુલાકાત પહેલા સુરક્ષા અને આતંકવાદના મુદ્દે 'ક્લીન સ્લેટ' તૈયાર કરવાનો છે, જેથી વર્ષોથી ચાલી રહેલી કડવાશનો અંત આવે.
કેનેડાના રાજકારણમાં થયેલા નેતૃત્વ પરિવર્તન પછી માર્ક કાર્ની ભારત સાથે આર્થિક સંબંધો મજબૂત કરવા આતુર છે. ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપારને ૫૦ બિલિયન ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જોકે, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી કેનેડાની ધરતી પરથી સંગઠિત ગુનાખોરી અને આતંકવાદનું નેટવર્ક ખતમ નહીં થાય, ત્યાં સુધી કોઈ પણ વ્યાપક આર્થિક કરાર શક્ય નથી. અજિત ડોભાલની આ મુલાકાત દરમિયાન ભારતની NIA અને કેનેડાની RCMP વચ્ચે સીધું સંકલન સ્થાપિત કરવામાં આવશે. સપ્ટેમ્બર ૨૦૨૫માં ખાલિસ્તાની ઉગ્રવાદી ઇન્દ્રજીત સિંહ ગોસલની ધરપકડ બાદ કેનેડાએ જે સંકેત આપ્યા છે, તેને હવે ડોભાલ નિર્ણાયક અંજામ સુધી પહોંચાડશે.
માર્ચ ૨૦૨૬ના પ્રથમ સપ્તાહમાં જ્યારે માર્ક કાર્ની દિલ્હીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટમાં ભાગ લેવા આવશે, ત્યારે ભારત ઈચ્છે છે કે ચર્ચા સુરક્ષા ચિંતાઓને બદલે ભવિષ્યની ટેકનોલોજી અને આર્થિક લક્ષ્યો પર કેન્દ્રિત રહે. જસ્ટિન ટ્રુડોના શાસનકાળ દરમિયાન જે અવિશ્વાસની ખાઈ સર્જાઈ હતી, તેને પૂરવા માટે કેનેડા હવે ભારતની શરતો પર ખાલિસ્તાની તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તૈયાર જણાય છે. ડોભાલની આ મુલાકાત વિશ્વને એ પણ સાબિત કરી દેશે કે બદલાતી ભૂરાજનીતિમાં ભારત પોતાની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કર્યા વગર વૈશ્વિક અર્થતંત્રનું નેતૃત્વ કરવા સજ્જ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
