<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

શું દુનિયામાંથી ચાંદી ‘ગુમ’ થઈ જશે? ₹3.50 લાખને પાર પહોંચ્યો ભાવ, ભારત અને ચીનની ‘ભૂખ’થી વૈશ્વિક બજારમાં હાહાકાર

સતત પાંચમા વર્ષે ચાંદીની ભારે અછત: સોલાર પેનલ, EV અને AI માટે ‘ઓક્સિજન’ બની સફેદ ધાતુ, હવે માત્ર ઘરેણું નહીં પણ ‘વ્યૂહાત્મક શસ્ત્ર’

નવી દિલ્હી: સોનાની પાછળ દોડતા રોકાણકારો માટે હવે ચાંદી ‘નવી સોનાની ખાણ’ સાબિત થઈ રહી છે. મંગળવારે સ્થાનિક બજાર (MCX) ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં ₹21,811નો ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો અને કિંમત ₹3,56,510 પ્રતિ કિલોગ્રામને વટાવી ગઈ છે. કેટલાક શહેરોમાં તો ચાંદી ₹3.70 લાખના સ્તરને પણ સ્પર્શી ગઈ છે. 'વર્લ્ડ સિલ્વર સર્વે 2025'ના આંકડા મુજબ, દુનિયા અત્યારે છેલ્લા પાંચ વર્ષની સૌથી મોટી ચાંદીની અછત (Structural Deficit) સામે ઝઝૂમી રહી છે.
ચાંદીના ભાવમાં આ ઉછાળાનું મુખ્ય કારણ તેની બદલાયેલી ભૂમિકા છે. હવે ચાંદી માત્ર ઝવેરાત પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે ભવિષ્યની ટેકનોલોજી માટે અનિવાર્ય બની ગઈ છે. સોલાર પેનલના ઉત્પાદનમાં 197.6 મિલિયન ઔંસ ચાંદીનો વપરાશ થઈ રહ્યો છે, જ્યારે ઇલેક્ટ્રિક વાહનો (EV) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ડેટા સેન્ટરોમાં પણ તેની માંગ રેકોર્ડ સ્તરે પહોંચી છે. અમેરિકાએ તો ચાંદીને પોતાની "ક્રિટીકલ મિનરલ" (વ્યૂહાત્મક ખનિજ) યાદીમાં સામેલ કરી છે, જેનો અર્થ છે કે હવે તેનો ઉપયોગ સંરક્ષણ અને મિસાઈલ સિસ્ટમ માટે અનામત રાખવામાં આવશે.
 વિશ્વમાં ચાંદીની સૌથી વધુ માંગ ચીન અને ભારતમાંથી આવી રહી છે. ચીન સોલાર પેનલ અને ઈલેક્ટ્રોનિક્સનું હબ હોવાથી લાખો ઔંસ ચાંદીનો સંગ્રહ કરી રહ્યું છે, જ્યારે ભારતમાં રોકાણકારોએ ચાંદીના સિક્કા અને બારમાં રોકાણ 21% વધારી દીધું છે. ભારતની આયાત જકાતમાં થયેલા ઘટાડાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે અને માંગમાં પ્રચંડ વધારો થયો છે.
બીજી તરફ, ચાંદીનું ઉત્પાદન કરતા મુખ્ય દેશો જેવા કે મેક્સિકો અને પેરુમાં ઉત્પાદન માંગની તુલનામાં ખૂબ જ ઓછું છે. પેરુ પાસે 93,000 ટનનો સૌથી મોટો ભંડાર હોવા છતાં સામાજિક અશાંતિને કારણે ત્યાં ખાણકામમાં અવરોધો આવી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે જ્યાં સુધી ખાણકામમાં મોટું રોકાણ નહીં થાય, ત્યાં સુધી ચાંદીની આ અછત વર્તાતી રહેશે અને ભાવ હજુ પણ નવી ઊંચાઈઓ સર કરી શકે છે.

(8:53 PM IST)