WhatsApp સુરક્ષિત નથી! એલોન મસ્ક અને ટેલિગ્રામના સીઈઓનો ચોંકાવનારો દાવો: ‘XChat’ વાપરવા આપી સલાહ
અમેરિકામાં મેટા સામે થયેલા મુકદ્દમા બાદ પ્રાઈવસી પર ઉઠ્યા મોટા સવાલ: શું ખરેખર તમારા મેસેજ વંચાઈ રહ્યા છે?

સાન ફ્રાન્સિસ્કો: દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અને 'X' (ટ્વિટર) ના માલિક એલોન મસ્કે WhatsApp ની સુરક્ષા પર બોમ્બ ફોડ્યો છે. મસ્કે દાવો કર્યો છે કે જે એપને લાખો લોકો સૌથી વિશ્વસનીય માને છે, તે વાસ્તવમાં સુરક્ષિત નથી. તેમણે વોટ્સએપની સાથે સિગ્નલ જેવી અન્ય એપ્સ પર પણ શંકા વ્યક્ત કરી છે અને લોકોને સુરક્ષિત વાતચીત માટે ‘XChat’ નો ઉપયોગ કરવા સૂચન કર્યું છે. આ વિવાદ ત્યારે વકર્યો જ્યારે અમેરિકાની સાન ફ્રાન્સિસ્કો કોર્ટમાં મેટા (Meta) સામે એક ગંભીર મુકદ્દમો દાખલ કરવામાં આવ્યો.
આ મુકદ્દમામાં એવો સનસનાટીભર્યો આરોપ મૂકવામાં આવ્યો છે કે મેટા યુઝર્સના મેસેજ સ્ટોર કરે છે અને તેનું વિશ્લેષણ પણ કરે છે. જોકે વોટ્સએપ વર્ષોથી ‘એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન’નો દાવો કરે છે, પરંતુ આ અરજીમાં કહેવાયું છે કે કંપની યુઝર્સના ડેટા સુધી પહોંચ ધરાવે છે. આ કેસમાં ભારત સહિત વિશ્વભરના યુઝર્સ પ્રભાવિત હોવાની આશંકા છે.
માત્ર એલોન મસ્ક જ નહીં, પરંતુ ટેલિગ્રામના સ્થાપક પાવેલ દુરોવે પણ વોટ્સએપની એન્ક્રિપ્શન સિસ્ટમ પર સીધો હુમલો કર્યો છે. દુરોવે દાવો કર્યો હતો કે, "જે કોઈ પણ એવું માને છે કે 2026 માં પણ વોટ્સએપ સુરક્ષિત છે, તે સત્યથી મોઢું છુપાવી રહ્યો છે." તેમણે ઉમેર્યું કે ટેલિગ્રામના વિશ્લેષણમાં વોટ્સએપની સિસ્ટમમાં અનેક ખામીઓ અને 'એટેક વેક્ટર્સ' જોવા મળ્યા છે, જે યુઝર્સની પ્રાઈવસી માટે ખતરો છે.
બીજી તરફ, મેટા અને વોટ્સએપના વડા વિલ કેથકાર્ટે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે મસ્કના દાવાને નકારી કાઢતા કહ્યું કે, મેસેજની એન્ક્રિપ્શન કી માત્ર યુઝરના ફોનમાં હોય છે, કંપની પાસે નહીં. કંપનીએ આ મુકદ્દમાને માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ ગણાવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ કાયદાકીય લડાઈમાં કોણ સાચું સાબિત થાય છે, પરંતુ હાલ પૂરતું યુઝર્સના મનમાં શંકાના બીજ રોપાઈ ગયા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
