News of Tuesday, 27th January 2026
યુપી ભાજપમાં ‘UGC વિવાદ’નો વિસ્ફોટ: મહિલા નેતા શશી તોમરે પદ પરથી આપ્યું રાજીનામું
નવા નિયમોને ગણાવ્યા “કાળો કાયદો”: સવર્ણ વિદ્યાર્થીઓના અન્યાય મુદ્દે કેન્દ્રીય નેતૃત્વ સામે બાયો ચડાવી, પણ યોગી પર અતૂટ વિશ્વાસ

ફિરોઝાબાદ:ઉત્તર પ્રદેશમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ના નવા નિયમોને લઈને રાજકીય જંગ છેડાયો છે. આ વિવાદ હવે ભાજપના આંતરિક માળખા સુધી પહોંચી ગયો છે. ફિરોઝાબાદમાં ભાજપ મહિલા મોરચાના જિલ્લા મંત્રી શશી તોમરે મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપીને પક્ષમાં ખળભળાટ મચાવી દીધો છે. તેમણે નવા નિયમોને સવર્ણ એટલે કે ઉચ્ચ જાતિના વિદ્યાર્થીઓ માટે "ગુલામી સમાન" અને "કાળો કાયદો" ગણાવીને વોટ્સએપ દ્વારા પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે.
શશી તોમર, જેઓ વર્ષોથી એબીવીપી (ABVP) અને ભાજપ સાથે સક્રિયપણે જોડાયેલા છે, તેમણે કેન્દ્રીય નેતૃત્વ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે ભાવુક થતા જણાવ્યું કે, જ્યારે ક્ષત્રિય સમુદાયની મહિલાઓ રાષ્ટ્ર રક્ષા માટે ‘જૌહર’ કરી શકતી હોય, તો હું મારા બાળકોના ભવિષ્ય અને તેમની શૈક્ષણિક સ્વતંત્રતા માટે પદનો ત્યાગ કેમ ન કરી શકું? તેમણે આ યુજીસી કાયદાને ચોક્કસ સમુદાયના તેજસ્વી બાળકોના હિતો પર તરાપ સમાન ગણાવી તેનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.
રાજીનામા બાદ તેમણે એક મહત્વની સ્પષ્ટતા પણ કરી હતી. તેમણે કહ્યું કે તેમનો વિરોધ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકાર સામે નથી. તેમને યોગીજીના નેતૃત્વમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને તેઓ સરકારને સમર્થન આપતા રહેશે, પરંતુ યુજીસીના આ નવા ભેદભાવયુક્ત નિયમો તેમને મંજૂર નથી. ફિરોઝાબાદ ભાજપ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે શશી તોમર પાયાના કાર્યકર તરીકે જાણીતા છે. હાલમાં ભાજપ દ્વારા આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ આ ઘટનાએ યુપીના રાજકારણમાં નવી ચર્ચા છેડી દીધી છે.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
