<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

બજેટ 2026: શું સરકારની નૈયા પાર લગાવશે RBI? તિજોરી સંતુલિત કરવા માટે ડિવિડન્ડ પર સરકારની મીટ

ટેક્સ સિવાયની આવકમાં RBIનો હિસ્સો 50% સુધી પહોંચ્યો: રાજકોષીય ખાધ ઘટાડવા માટે રિઝર્વ બેંકનું ‘બમ્પર ડિવિડન્ડ’ બનશે સંજીવની

નવી દિલ્હી:આગામી રવિવારે દેશનું સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણની નજર સરકારની બિન-કર આવક (Non-Tax Revenue) ના સૌથી મોટા સ્ત્રોત એટલે કે RBI ના ડિવિડન્ડ પર ટકેલી છે. સરકારના બજેટમાં ટેક્સ દ્વારા થતી આવક અંદાજે 80% હોય છે, પરંતુ બાકીની ખાધ પુરવા માટે રિઝર્વ બેંક દ્વારા મળતો નફો અત્યંત નિર્ણાયક સાબિત થાય છે. તાજેતરના વર્ષોમાં સરકારના ખર્ચ અને આવક વચ્ચેનું અંતર ઘટાડવામાં RBI એ ‘તારણહાર’ ની ભૂમિકા ભજવી છે.
આંકડાઓ પર નજર કરીએ તો, નાણાકીય વર્ષ 2022 માં RBI એ સરકારને માત્ર ₹30,307 કરોડ આપ્યા હતા, જે નાણાકીય વર્ષ 2025 માં વધીને ₹2.68 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા. આ આશ્ચર્યજનક ઉછાળો સૂચવે છે કે સરકારની બિન-કર આવકમાં RBI નો હિસ્સો હવે અંદાજે 50% જેટલો થઈ ગયો છે. વિદેશી હૂંડિયામણના ભંડાર અને સરકારી બોન્ડ્સ પર થતા નફાને કારણે RBI સરકારને આટલું મોટું ભંડોળ ટ્રાન્સફર કરી શકે છે.
 જ્યારે દેશમાં ટેક્સની વસૂલાત અપેક્ષા મુજબ ન થાય અથવા આર્થિક પડકારોને કારણે તિજોરી પર દબાણ વધે, ત્યારે RBI તરફથી મળતું આ ભંડોળ ‘બફર’ તરીકે કામ કરે છે. તેનાથી સરકારને બજારમાંથી વધુ દેવું લેવાની જરૂર પડતી નથી અને રાજકોષીય ખાધ (Fiscal Deficit) ને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.
આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે પણ બજાર અને નીતિ નિર્માતાઓ એ વાત પર નજર રાખી રહ્યા છે કે RBI આ વખતે કેટલા કરોડની રકમ સરકારને આપશે. જો આ આંકડો ઊંચો રહેશે, તો સરકાર પાસે જનકલ્યાણની યોજનાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચ કરવાની વધુ ક્ષમતા રહેશે. આમ, રવિવારના બજેટમાં RBI ની ગણતરીઓ સરકારના ભાવિ આર્થિક રોડમેપને નક્કી કરવામાં મોટી ભૂમિકા ભજવશે.

(8:57 PM IST)