<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

બર્લિનમાં બીજા વિશ્વયુદ્ધ પછીનો સૌથી મોટો બ્લેકઆઉટ: પાવર ગ્રીડ પર હુમલા બાદ જર્મનીમાં આતંકીઓ વિરુદ્ધ ‘રેડ એલર્ટ’

45,000 ઘરો અંધકારમાં ડૂબ્યા, જવાબદારોને પકડવા ₹9 કરોડનું ઇનામ: હવે ફેસ રિકગ્નિશન અને ડિજિટલ સર્વેલન્સથી થશે ઉગ્રવાદીઓનો શિકાર

બર્લિન : જર્મનીની રાજધાની બર્લિનમાં તાજેતરમાં પાવર સ્ટેશન પર થયેલા ભયાનક હુમલાએ બીજા વિશ્વયુદ્ધ પછીના સૌથી લાંબા વીજળી ગુલ (બ્લેકઆઉટ) ની સ્થિતિ સર્જી છે. આ હુમલાની જવાબદારી ડાબેરી ઉગ્રવાદી સંગઠન ‘વોલ્કેનો ગ્રુપ’ દ્વારા સ્વીકારવામાં આવ્યા બાદ, જર્મન સરકાર હવે આતંકવાદના આ નવા સ્વરૂપ સામે આરપારની લડાઈ લડવા સજ્જ થઈ છે. ગૃહમંત્રી એલેક્ઝાન્ડર ડોબ્રિન્ડટે મંગળવારે જાહેરાત કરી છે કે ગુનેગારોની માહિતી આપનારને 1 મિલિયન યુરો (આશરે ₹9 કરોડથી વધુ) નું ઈનામ આપવામાં આવશે.
જાન્યુઆરીના કડકડતી ઠંડીના દિવસોમાં લિક્ટરફેલ્ડ પાવર પ્લાન્ટ પર થયેલા આ શંકાસ્પદ હુમલાને કારણે 45,000 થી વધુ ઘરો વીજળી વિના ઠપ થઈ ગયા હતા. સરકારે આને માત્ર તોડફોડ નહીં પણ ‘ડાબેરી આતંકવાદ’ ગણાવ્યો છે. મંત્રી ડોબ્રિન્ડટે સ્વીકાર્યું હતું કે અત્યાર સુધી સરકારનું ધ્યાન જમણેરી ઉગ્રવાદ અને ઈસ્લામિક આતંકવાદ પર વધુ હતું, પરંતુ હવે ડાબેરી આતંકવાદ મજબૂત પુનરાગમન કરી રહ્યો હોવાથી સુરક્ષા એજન્સીઓને અત્યાધુનિક શક્તિઓથી સજ્જ કરવામાં આવશે.
ડિજિટલ શસ્ત્રોથી સજ્જ થશે સુરક્ષા એજન્સીઓ
આ લડાઈને વધુ તેજ બનાવવા માટે જર્મનીમાં નવો કાયદો તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે હેઠળ તપાસ એજન્સીઓને બાયોમેટ્રિક ફેસ રિકગ્નિશન (ચહેરાની ઓળખ), ઓટોમેટેડ ડેટા એનાલિસિસ અને IP એડ્રેસના સંગ્રહ જેવી શક્તિઓ આપવામાં આવશે. ગુપ્તચર એજન્સીના રિપોર્ટ અનુસાર, 2024માં ડાબેરી પ્રેરિત ગુનાઓમાં 38% નો જંગી વધારો જોવા મળ્યો છે. જર્મન સરકાર હવે મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ જેમ કે પાવર ગ્રીડ અને ટ્રાન્સપોર્ટને સુરક્ષિત રાખવા માટે અભેદ્ય કિલ્લેબંધી કરવાની તૈયારીમાં છે.

(10:16 PM IST)