<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

UNSC માં પરિવર્તનનો પડઘો: ભારત અને એન્ટોનિયો ગુટેરેસે સુરક્ષા પરિષદમાં તાત્કાલિક સુધારાની માંગ કરી

"વિશ્વ બદલાયું પણ કાઉન્સિલ હજુ ભૂતકાળમાં સ્થિર": યુએન ચીફે ‘જંગલના કાયદા’ સામે ચેતવણી આપી, ભારતની કાયમી સદસ્યતા માટે રજૂઆત

ન્યૂયોર્ક : વિશ્વમાં વધી રહેલા સંઘર્ષો અને બદલાતી સત્તાની ગતિશીલતા વચ્ચે ભારત અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં તાત્કાલિક સુધારા માટે સૂર પુરાવ્યો છે. ન્યૂયોર્ક ખાતે યોજાયેલી ઉચ્ચ-સ્તરીય ચર્ચામાં બંને પક્ષોએ ચેતવણી આપી હતી કે જો સમયસર ફેરફાર નહીં કરવામાં આવે, તો આ વૈશ્વિક સંસ્થા પોતાની વિશ્વસનીયતા ગુમાવી દેશે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે આડકતરી રીતે ભારતની કાયમી સદસ્યતાનો દાવો મજબૂત કરતા જણાવ્યું હતું કે, અર્થપૂર્ણ સુધારા માટે કાયમી સભ્યોની શ્રેણીમાં ઉમેરો કરવો અનિવાર્ય છે. તેમણે કહ્યું કે હાલમાં જે રીતે વૈશ્વિક સંઘર્ષો વધી રહ્યા છે, તેને ઉકેલવામાં સુરક્ષા પરિષદની નિષ્ફળતા એ તેની મુખ્ય ખામી છે. આંતરરાષ્ટ્રીય કાયદાના શાસનને અસરકારક રીતે લાગુ કરવા માટે કાઉન્સિલમાં વધુ પ્રતિનિધિત્વની જરૂર છે.
"જંગલનો કાયદો" વર્ચસ્વ જમાવી રહ્યો છે - એન્ટોનિયો ગુટેરેસ
બીજી તરફ, મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ખૂબ જ ગંભીર શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, વિશ્વના ઘણા ભાગોમાં હવે આંતરરાષ્ટ્રીય કાયદાનું સ્થાન ‘જંગલના કાયદા’એ લઈ લીધું છે. તેમણે સ્વીકાર્યું કે છેલ્લા આઠ દાયકામાં વિશ્વની વસ્તી અને શક્તિના સમીકરણો બદલાઈ ગયા છે, પરંતુ સુરક્ષા પરિષદ હજુ પણ જુના યુગમાં અટવાયેલી છે. તેમણે કાયમી અને બિન-કાયમી બંને બેઠકોના વિસ્તરણની હિમાયત કરી હતી.
ગુટેરેસે વધુમાં ઉમેર્યું કે સુરક્ષા પરિષદ એકમાત્ર એવી સંસ્થા છે જેના નિર્ણયો તમામ દેશો માટે કાયદેસર રીતે બંધનકર્તા હોય છે. અન્ય કોઈ પણ જૂથ કે ગઠબંધન પાસે શાંતિ અને સુરક્ષાના નામે બળપ્રયોગનો આદેશ આપવાનો સાર્વત્રિક અધિકાર નથી. આથી, તેની અસરકારકતા વધારવા માટે લોકશાહી ઢબે સુધારા કરવા અત્યંત જરૂરી છે. ભારત લાંબા સમયથી આ સુધારા માટે ઝુંબેશ ચલાવી રહ્યું છે અને હવે યુએન ચીફના આ નિવેદનથી ભારતની માંગને વૈશ્વિક સ્તરે વધુ વેગ મળ્યો છે.

(10:20 PM IST)