એમેઝોનમાં ફરી ‘છટણી’નો કોરડો: વધુ 30,000 કર્મચારીઓની નોકરી પર જોખમ, ભારત પર મોટી અસરની શક્યતા
AWS, પ્રાઇમ વિડીયો અને રિટેલ સેક્ટરમાંથી હજારો લોકો થશે બેરોજગાર: શું AI જવાબદાર છે કે વધતી જતી નોકરશાહી?

બેંગલુરુ : વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોન (Amazon) ફરી એકવાર મોટા પાયે છટણી કરવાની તૈયારી કરી રહી છે. ઓક્ટોબર 2025માં 14,000 કર્મચારીઓને છૂટા કર્યા બાદ, કંપની હવે બીજા રાઉન્ડમાં તેના કોર્પોરેટ વર્કફોર્સમાં 10% એટલે કે આશરે 30,000 જેટલો ઘટાડો કરવાનું આયોજન કરી રહી છે. અહેવાલો અનુસાર, છટણીની આ પ્રક્રિયા મંગળવારથી જ શરૂ થઈ શકે છે, જેની સૌથી વધુ અસર એમેઝોન વેબ સર્વિસીસ (AWS), રિટેલ અને પ્રાઇમ વિડીયો જેવા એકમો પર પડવાની ધારણા છે.
ચિંતાની વાત એ છે કે, વિવિધ કોર્પોરેટ ફોરમ્સ પર ચાલી રહેલી ચર્ચાઓ મુજબ ભારત સ્થિત ટીમો પર આ છટણીની મોટી અસર પડી શકે છે. જોકે કંપનીએ હજુ સુધી અસરગ્રસ્ત કર્મચારીઓની સત્તાવાર સંખ્યા જાહેર કરી નથી, પરંતુ સૂત્રોનું માનીએ તો એમેઝોનના HR (પીપલ એક્સપિરિયન્સ એન્ડ ટેકનોલોજી) વિભાગમાં પણ મોટા પાયે કાપ મુકાઈ શકે છે.
શું AI છીનવી રહ્યું છે નોકરીઓ?
નોકરીમાં કાપ પાછળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને એક મહત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે. ઓક્ટોબરમાં એમેઝોને સ્વીકાર્યું હતું કે AI તકનીક ઇન્ટરનેટ પછીની સૌથી પરિવર્તનશીલ ટેકનોલોજી છે, જે કંપનીને ઝડપથી નવીનતા લાવવા સક્ષમ બનાવે છે. જોકે, CEO એન્ડી જેસીએ જણાવ્યું હતું કે, આ છટણી માત્ર નાણાકીય કે AI કારણોસર નથી, પરંતુ કંપનીમાં વધી ગયેલી ‘નોકરશાહી’ (Bureaucracy) ને ઓછી કરવા માટે છે. તેમના મતે, કંપનીમાં હવે જરૂરિયાત કરતાં વધુ સ્તરો (Layers) બની ગયા છે, જેને હટાવવા જરૂરી છે.
એમેઝોન પાસે કુલ 1.58 મિલિયન કર્મચારીઓ છે, જેમાંથી મોટાભાગના વેરહાઉસમાં કામ કરે છે, પરંતુ આ છટણી માત્ર ‘વ્હાઇટ-કોલર’ એટલે કે ઓફિસમાં કામ કરતા કોર્પોરેટ કર્મચારીઓ પૂરતી મર્યાદિત રહેશે. અગાઉ જે કર્મચારીઓને નોટિસ અપાઈ હતી, તેમનો 90 દિવસનો ગ્રેસ પિરિયડ 26 જાન્યુઆરીએ પૂરો થયો છે, અને હવે નવા રાઉન્ડની શરૂઆત થતા ટેક જગતમાં ભારે ચર્ચા જાગી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
