<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

ગુનેગારો હવે આર્થિક રીતે પણ પાયમાલ થશે: એસિડ એટેક કરનારાઓની મિલકતો હરાજી કરી પીડિતોને વળતર આપવા CJI સૂર્યકાંતનો આદેશ

માત્ર જેલની સજા પૂરતી નથી, ગુનેગારની સંપત્તિ જપ્ત કરી પીડિતના જીવનની સુધારણા માટે વાપરવામાં આવશે: સુપ્રીમ કોર્ટે રૂ. ૩ લાખની સરકારી સહાયને ગણાવી અપૂરતી : શાહીન મલિકની ૧૬ વર્ષની લડત રંગ લાવી

નવી દિલ્હી:  એસિડ હુમલાના રાક્ષસી કૃત્ય આચરનારાઓ માટે સુપ્રીમ કોર્ટે હવે 'કાળ' સમાન કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે મંગળવારે એક ઐતિહાસિક ટિપ્પણી કરતા પ્રશ્ન કર્યો કે, "શા માટે ગુનેગારોની મિલકતની હરાજી કરીને તે નાણાં પીડિતોને ન આપવા જોઈએ?" અદાલતે સ્પષ્ટ કર્યું છે કે કોઈનો ચહેરો અને ભવિષ્ય બગાડનારા ગુનેગારોને હવે માત્ર જેલની હવા ખાવાથી મુક્તિ નહીં મળે, પરંતુ તેમને આર્થિક રીતે પણ પાયમાલ કરવામાં આવશે. આ કેસ ૧૬ વર્ષથી ન્યાય માટે લડી રહેલી શાહીન મલિકની અરજી પર આધારિત છે, જેણે આખા દેશમાં એસિડ હુમલાના પીડિતોની દયનીય સ્થિતિ અને સિસ્ટમની ખામીઓને ઉજાગર કરી છે.

ન્યાયાધીશ સૂર્યકાંતે જણાવ્યું હતું કે સરકાર દ્વારા આપવામાં આવતી રૂ. ૩ લાખની લઘુત્તમ સહાય એક મજાક સમાન છે, કારણ કે પીડિતે આજીવન સારવાર અને માનસિક ત્રાસનો સામનો કરવો પડે છે. કોર્ટના આ કડક વલણનો મુખ્ય હેતુ સમાજમાં એક એવો ડર પેદા કરવાનો છે કે જે એસિડ ફેંકવાની માનસિકતાને જ મૂળમાંથી ઉખેડી નાખે. સુપ્રીમ કોર્ટે એ બાબતે પણ વિચારણા કરી રહી છે કે એસિડ હુમલાના પીડિતોને 'અપંગતા' (Disability) ની શ્રેણીમાં સામેલ કરવામાં આવે, જેથી તેમને સરકારી યોજનાઓ અને નોકરીઓમાં અનામતનો લાભ મળી શકે. આ પગલું પીડિતોને આત્મનિર્ભર બનાવવામાં ક્રાંતિકારી સાબિત થશે.

દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી સુપ્રીમ કોર્ટે એસિડ હુમલાના કેસોનો સંપૂર્ણ ડેટા અને ચાર્જશીટની સ્થિતિનો હિસાબ માંગ્યો છે. કોર્ટે એવી વ્યવસ્થા ગોઠવવા સૂચન કર્યું છે કે જેમાં ટ્રાયલ પ્રક્રિયા ટૂંકી હોય અને પુરાવા રજૂ કરવાનો ભાર આરોપીઓ પર રહે. જો ગુનેગારની સંપત્તિ વેચીને વળતર વસૂલવાની પ્રક્રિયા અમલી બનશે, તો તે ભારતીય ન્યાયતંત્રમાં એક નવો માઈલસ્ટોન સ્થાપિત કરશે. હવે આ મામલે આગામી સુનાવણીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો કેવો પ્રતિસાદ આપે છે, તેના પર દેશભરની નજર ટકેલી છે.

(10:30 PM IST)