<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

સંગીત જગતમાં સ્તબ્ધતા! : અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગને કાયમ માટે કહ્યું ‘અલવિદા’ : સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી નિવૃત્તિની જાહેરાત કરી

“હવે હું કોઈ નવો પ્લેબેક અસાઈનમેન્ટ નહીં લઉં” – દિલ જીતનારા અવાજે ફિલ્મી સંગીત સફર પર વિરામ મૂક્યો : સ્વતંત્ર કલાકાર તરીકે શીખવાનું ચાલુ રાખશે : જૂના કોન્ટ્રાક્ટના ગીતો હજુ રિલીઝ થશે

મુંબઈ : ભારતીય સંગીત જગત અને કરોડો ચાહકો માટે વર્ષ ૨૦૨૬ના પ્રારંભે જ એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. જેમના અવાજે ક્યારેક તૂટેલા દિલને સંભાળ્યું તો ક્યારેક પ્રેમને શબ્દો આપ્યા, તેવા દેશના સૌથી લોકપ્રિય ગાયક અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ લેવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. મંગળવારે રાત્રે સોશિયલ મીડિયા પર કરેલી તેમની આ પોસ્ટથી બોલિવૂડ અને સંગીત પ્રેમીઓમાં ભારે હલચલ મચી ગઈ છે.
સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ:
અરિજીત સિંહે એક્સ (અગાઉનું ટ્વિટર) અને ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખીને પોતાના દિલની વાત કરી હતી. તેમણે લખ્યું, "નમસ્કાર, આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આટલા વર્ષો સુધી તમે મને ગાયક તરીકે જે પ્રેમ આપ્યો છે, તે બદલ હું તમારો આભારી છું. પરંતુ હવે મેં નિર્ણય લીધો છે કે આગળથી હું પ્લેબેક વોકલિસ્ટ તરીકે કોઈ નવો અસાઈનમેન્ટ કે કામ નહીં લઉં. હું આ સફરને અહીં જ વિરામ આપી રહ્યો છું. આ સફર ખરેખર શાનદાર અને સુખદ રહી છે."
સંગીત સાથેનો સંબંધ રહેશે અકબંધ:
અરિજીત સિંહે સ્પષ્ટ કર્યું છે કે તેમણે માત્ર ફિલ્મી સંગીત (પ્લેબેક) માંથી નિવૃત્તિ લીધી છે, સંગીત સાથેનો તેમનો સંબંધ તૂટ્યો નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, "ભગવાન મારા પર ખૂબ મહેરબાન છે. હું સારા મ્યુઝિકનો ચાહક છું અને આગળ એક નાના કલાકાર તરીકે પોતાની રીતે ઘણું શીખવાનો અને નવું કરવાનો પ્રયત્ન કરીશ." આ નિવેદન પરથી એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે તેઓ હવે ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક અથવા પોતાના અંગત પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
હજુ પણ સાંભળવા મળશે કેટલાક ગીતો:
તાજેતરમાં રિલીઝ થયેલા 'બેટલ ઓફ ગલવાન'ના 'માતૃભૂમિ' ગીત વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, જે જૂના કોન્ટ્રાક્ટ્સ હજુ બાકી છે, તેને તેઓ ચોક્કસપણે પૂરા કરશે. આથી, આ વર્ષ દરમિયાન તેમના કેટલાક ગીતો હજુ પણ રિલીઝ થશે. તેમણે ખાતરી આપી છે કે તેઓ સંગીત બનાવવાનું ક્યારેય નહીં છોડે.
અરિજીત સિંહના આ નિર્ણયથી ફેન્સમાં નિરાશા જોવા મળી રહી છે, પરંતુ સાથે જ લોકો તેમના નવા સ્વતંત્ર સંગીત સફર માટે શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે.

(9:10 PM IST)