ચાંદીમાં ૧૯૦૦૦-સોનામાં ૭૦૦૦ નો જંગી ઉછાળો
તેજીનું તાંડવ યથાવત : ચાંદી ૧ કિલોના ભાવ વધીને ૩,૭૭,૦૦૦ અને સોનુ ૧૦ ગ્રામના ભાવ ૧,૭૧,૦૦૦ રૂા.ની નવી ઐતિહાસિક સપાટીએ : સવારે ચાંદીના ભાવ ર૩,૦૦૦ વધીને ૩,૭૭,૦૦૦ની નવી સપાટી બનાવ્યા બાદ ભાવો ઘટયાઃ ચાંદીની પાછળ સોનાના ભાવો પણ સળગ્યા : બે દિ'માં ૧૦ ગ્રામે સોનામાં ૯,પ૦૦ રૂા. વધી ગયા : અમેરીકા-ઇરાન વચ્ચે યુધ્ધના ભણકારાના પગલે બંને કિંમતી ધાતુઓમાં રેકર્ડ વોર

રાજકોટ, તા.૨૮ : અમેરીકા અને ઇરાનના યુધ્ધના ભણકારા વચ્ચે બુલીયન માર્કેટમાં તેજીનું તાંડવ યથાવત રહયું છે. સતત બીજા દિવસે ચાંદીમાં વધુ ૧૯૦૦૦ અને સોનામાં ૭૦૦૦ રૂા.નો જંગી ઉછાળો થતા બંને કિંમતી ધાતુઓના ભાવે નવી ઐતિહાસિક સપાટી સર કરી છે.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં આજે સવારે ચાંદીમાં ર૩૦૦૦ રૂપીયાનો ભાવવધારો થયો હતો. જો કે બપોરે ફરી ૪૦૦૦ રૂા. ભાવ ઘટી ગયા હતા. ગઇકાલે રાત્રે ચાંદી એક કિલોના ભાવ ૩,૬પ,૦૦૦ રૂા. હતા તે વધીને આજે સવારે ૩,૮૪,૦૦૦ રૂા.ની નવી ટોચની સપાટી બનાવી હતી. બપોરે ર.૦૦ વાગ્યે ચાંદીમાં ફરી ૪૦૦૦ રૂા.નું ગાબડુ પડતા ચાંદીના ભાવ ઘટીને ૩,૭૭,૦૦૦ રૂા. થઇ ગયા હતા. ગઇકાલે ચાંદીમાં ૮,૦૦૦ રૂા. વધ્યા બાદ આજે વધુ ૧૯,૦૦૦ રૂા.નો ઉછાળો થતા બે દિ'માં ચાંદીમાં ૨૭,૦૦૦ રૂા.નો તોતીંગ ભાવવધારો થયો છે.જયારે વાયદા બજારમાં ચાંદીમાં બે દિ'માં ૪૩,૦૦૦ રૂા.નો ઉછાળો થયો છે.
ચાંદીની સાથે સોનામાં પણ તેજીનો તરખાટ યથાવત રહયો છે. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં સવારે પ,૦૦૦ રૂા. વધ્યા હતા. બપોરે ફરી વધુ ર૦૦૦ રૂા.નો ભાવવધારો થતા બપોર સુધીમાં કુલ ૭૦૦૦ રૂા.નો ઉછાળો થયો છે. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૬૪,૦૦૦ રૂા. હતા તે વધીને આજે સવારે ૧,૬૯,૦૦૦ રૂા. થયા બાદ બપોરે વધીને ૧,૭૧,૦૦૦ની નવી રેકોર્ડ સપાટી બનાવી હતી. સોનાના બિસ્કીટમાં ૭૦,૦૦૦ રૂા.નો તોતીંગ ભાવવધારો થયો છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૬,૪૦,૦૦૦ હતા તે વધીને ૧૭,૧૦,૦૦૦ રૂા. થયા છે. છેલ્લા બે દિવસમાં સોનામાં ૯,પ૦૦ રૂા.નો ભાવવધારો થયો છે.
અમરેરીકા અને ઇરાન વચ્ચે યુધ્ધના ભણકારાના પગલે સોના-ચાંદીના ભાવોમાં આગામી દિવસોમાં રેકર્ડ વોર જારી રહે તેવી શકયતા હોવાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું. (૪.૭)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
