છ વખત ડે.સીએમ પદ શોભાવનાર ‘દાદા' પાછળ છોડી ગયા અબજોની સંપત્તિ
કયારેય ન પુરાય તેવો રાજકીય શૂન્યાવકાશ

મુંબઈ, તા.૨૮: મહારાષ્ટ્રના રાજકીય ફલક પર દાયકાઓ સુધી જેમના નામનો સિક્કો ચાલતો હતો, તેવા દિગ્ગજ નેતા અજિત પવારના આકસ્મિક અવસાનના સમાચારથી સમગ્ર દેશ સ્તબ્ધ છે. બુધવારે બપોરે જ્યારે તેમનું વિમાન બારામતી નજીક લેન્ડિંગની તૈયારીમાં હતું, ત્યારે જ અચાનક ટેકનિકલ ખામી સર્જાતા વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ દુર્ઘટના એટલી ભીષણ હતી કે બચાવ કામગીરી મળે તે પહેલા જ દાદા એ અંતિમ શ્વાસ લીધા હતા. ૬૬ વર્ષની વયે તેમનું જવું એ માત્ર પવાર પરિવાર માટે જ નહીં, પણ મહારાષ્ટ્રની જનતા માટે એક વજ્રઘાત સમાન છે. સત્તાના સમીકરણો બેસાડવામાં માહિર અજિત પવારના જવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટા યુગનો અંત આવ્યો છે.
અજિત પવાર માત્ર તેમની સત્તા માટે જ નહીં, પણ તેમની ભવ્ય જીવનશૈલી અને અઢળક સંપત્તિ માટે પણ જાણીતા હતા. તાજેતરના ચૂંટણી સોગંદનામા મુજબ, તેમની પાસે અબજો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકત છે. રૂ.૧૨૪ કરોડથી વધુની કુલ સંપત્તિ ધરાવતા અજિત પવાર અને તેમની પત્ની સુનેત્રા પવાર પાસે પુણે, બારામતી અને મુંબઈ જેવા પ્રાઇમ લોકેશન પર વૈભવી બંગલા, ખેતીલાયક જમીન અને કોમર્શિયલ બિલ્ડિંગો છે. તેમના પોર્ટફોલિયોમાં શેરબજારના રોકાણોથી લઈને કરોડોની કિંમતની લક્ઝરી કારોનો પણ સમાવેશ થાય છે. આટલી વિશાળ સંપત્તિ અને રાજકીય વારસો હવે કોણ સંભાળશે, તે પ્રશ્ન હાલ સમગ્ર મહારાષ્ટ્રમાં ચર્ચાઈ રહ્યો છે.
રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે અજિત પવારના અવસાનથી રાજ્યના સત્તાધારી ગઠબંધન અને વિપક્ષ બંનેમાં મોટા ફેરફારો જોવા મળશે. બારામતી જે પવાર પરિવારનો ગઢ ગણાય છે, ત્યાં આજે માતમનો માહોલ છે અને દુકાનો સ્વયંભૂ બંધ રહી છે. વહીવટીતંત્ર દ્વારા અકસ્માતના કારણોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવી છે. તેમની પાછળ તેઓ પત્ની અને બે પુત્રોનો પરિવાર છોડી ગયા છે. મહારાષ્ટ્રના ઇતિહાસમાં અજિત પવારનું નામ હંમેશા એક એવા નેતા તરીકે રહેશે જેણે કયારેય હાર ન માની, પરંતુ વિધિના વિધાને આજે એક પરાક્રમી નેતાને જનતા પાસેથી છીનવી લીધા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
