<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

ઓપરેશન સિંદુરમાં વિશ્‍વએ નિહાળ્‍યું ભારતનું સાહસ

સંસદના બજેટ સત્રના પ્રારંભે બંને ગૃહોની સંયુકત બેઠકને સંબોધતા રાષ્‍ટ્રપતિઃ વિરાસત અને વિકાસનો આપ્‍યો સંદેશ : રાષ્‍ટ્રપતિએ ગણાવી સરકારની ઉપલબ્‍ધીઓઃ છેલ્લા ૧૦ વર્ષમાં ભારતના દરેક ક્ષેત્રમાં વિકાસ થયોઃ પ્રવચન દરમ્‍યાન વિપક્ષની નારેબાજીઃ હંગામો

નવી દિલ્‍હી, તા.૨૮: સંસદના બજેટ સત્ર ૨૦૨૬-૨૭નો પ્રારંભ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુના શક્‍તિશાળી સંબોધનથી થયો હતો. તેમણે સરકારની પાછલા દસકાની સિદ્ધિઓને બિરદાવતા કહ્યું કે, દેશ હવે સુધારા એક્‍સપ્રેસના માર્ગ પર તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. વિપક્ષના હોબાળા વચ્‍ચે પણ રાષ્‍ટ્રપતિએ ગર્વભેર જણાવ્‍યું કે છેલ્લા ૧૦ વર્ષમાં ૨૫ કરોડ લોકોને ગરીબીની રેખામાંથી બહાર લાવવામાં આવ્‍યા છે. આ વખતે બજેટ સત્ર ખાસ છે કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરીના રોજ રવિવાર હોવા છતાં દેશનું સામાન્‍ય બજેટ રજૂ કરશે, જે ભારતના સંસદીય ઇતિહાસમાં એક વિશિષ્ટ ઘટના બની રહેશે. તેઓએ અભિભાષણમાં ખાસ ઓપરેશન સિંદુરનો ઉલ્લેખ કર્યો હતો.

રાષ્‍ટ્રપતિએ ભારતની સંરક્ષણ શક્‍તિ અને રાષ્‍ટ્રીય સુરક્ષા પર ભાર મૂકતા ઓપરેશન સિંદૂરનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ અભિયાને વિશ્વને ભારતની હિંમતનો પરિચય કરાવ્‍યો છે અને સંદેશ આપ્‍યો છે કે ભારત વિરુદ્ધ કોઈપણ આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. રૂરલ ડેવલપમેન્‍ટ માટે સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા VB-G RAM G કાયદા દ્વારા ગામડાઓમાં ૧૨૫ દિવસની રોજગારીની ગેરંટી આપવાનો પણ તેમણે નિર્દેશ કર્યો હતો, જે ગ્રામીણ અર્થતંત્રને નવું બળ પૂરું પાડશે.

અવકાશ ક્ષેત્રે ભારતની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્‍યું કે, ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્‍લાનું આંતરરાષ્‍ટ્રીય અવકાશ મથક પર પહોંચવું એ તો માત્ર એક શરૂઆત છે. ભારત હવે પોતાના સ્‍વદેશી ગગનયાન મિશન સાથે આગળ વધી રહ્યું છે અને ટૂંક સમયમાં જ ભારતનું પોતાનું સ્‍પેસ સ્‍ટેશન કાર્યરત થશે. આધુનિક માળખાગત સુવિધાઓના પ્રતીક તરીકે હાલમાં દેશમાં ૧૫૦ વંદે ભારત ટ્રેનો દોડી રહી છે, જે દેશના ખૂણેખૂણે કનેક્‍ટિવિટી વધારી રહી છે.

બજેટ સત્રના પ્રથમ તબક્કાની ખાસિયત એ રહેશે કે ૨૯ જાન્‍યુઆરીએ આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે, જે દેશના અર્થતંત્રની સાચી તસવીર રજૂ કરશે. રાષ્‍ટ્રપતિએ પૂર્વીય ભારતના વિકાસને પૂર્વોદય તરીકે ઓળખાવી જણાવ્‍યું કે હવે પ્રાદેશિક અસંતુલન દૂર કરવાનો સમય આવી ગયો છે. ૩૦ બેઠકો સુધી ચાલનારા આ સત્રમાં સરકાર ૮મા પગાર પંચ અને જૂના કાયદાઓમાં મોટા ફેરફારો જેવા મહત્‍વના નિર્ણયો લઈ શકે છે, જેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.

 

(3:57 PM IST)