હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જેલમાં બંધ ઇમરાન ખાનની આંખો પર ખતરો: શું કાયમ માટે ગુમાવશે જોવાની શક્તિ? પાકિસ્તાનમાં ખળભળાટ!
'સેન્ટ્રલ રેટિના વેઇન ઓક્લુઝન' નામની ગંભીર બીમારીનો દાવો; પીટીઆઈની માંગ – અદિયાલા જેલમાંથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડો

ઇસ્લામાબાદ, તા. 28 : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ (PTI) ના સ્થાપક ઇમરાન ખાનના સ્વાસ્થ્યને લઈને અત્યંત ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીએ દાવો કર્યો છે કે ઇમરાન ખાનને આંખની એક એવી ગંભીર બીમારી થઈ છે, જેની જો સમયસર સારવાર કરવામાં નહીં આવે તો તેઓ પોતાની જોવાની શક્તિ કાયમ માટે ગુમાવી શકે છે.
રેટિનાની નસમાં ખતરનાક બ્લોકેજ
પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કરવામાં આવેલી પોસ્ટ મુજબ, ઇમરાન ખાનની જમણી આંખમાં 'સેન્ટ્રલ રેટિના વેઇન ઓક્લુઝન' (CRVO) હોવાનું નિદાન થયું છે. આ સ્થિતિમાં આંખની રેટિના (પડદા) માં લોહી લઈ જતી મુખ્ય નસમાં અવરોધ ઊભો થાય છે. તબીબી નિષ્ણાતોના મતે, આ એક ઈમરજન્સી જેવી સ્થિતિ છે જેની સારવાર માટે સ્પેશિયલ ઓપરેશન થિયેટર અને નિષ્ણાતોની જરૂર પડે છે, જે જેલમાં ઉપલબ્ધ નથી.
પરિવાર અને પક્ષના ગંભીર આક્ષેપો
ઇમરાન ખાનની બહેનો અલીમા અને ઉઝમા ખાનુમે જેલ વહીવટીતંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાય સમયથી પરિવાર કે વકીલોને ઇમરાન ખાનને મળવા દેવામાં આવતા નથી. અલીમા ખાને પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો આ સમાચાર સાચા છે, તો જેલ તંત્રે અમને સત્તાવાર જાણ કેમ નથી કરી? તેમણે આક્ષેપ કર્યો કે સરકાર રાજકીય બદલો લેવા માટે ઇમરાનના સ્વાસ્થ્ય સાથે જીવલેણ જુગાર રમી રહી છે.
શૌકત ખાનમ હોસ્પિટલમાં સારવારની માંગ
પીટીઆઈએ ન્યાયતંત્રને અપીલ કરી છે કે આને રાજકારણ નહીં પણ માનવીય દ્રષ્ટિકોણથી જોવામાં આવે. તેમણે માંગ કરી છે કે ઇમરાન ખાનને તાત્કાલિક તેમની જ હોસ્પિટલ 'શૌકત ખાનમ' અથવા કોઈ અન્ય પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં ખસેડવામાં આવે. બીજી તરફ, ઇમરાન ખાનની મુક્તિ માટે પીટીઆઈએ 8 ફેબ્રુઆરીએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન અને હડતાળનું એલાન પણ આપ્યું છે.
પાકિસ્તાનના રાજકારણમાં અત્યારે આ મામલે ભારે ઉકળાટ જોવા મળી રહ્યો છે અને સૌની નજર હવે કોર્ટના આગામી આદેશ પર ટકેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
