<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

સ્ટારબક્સમાં સેન્ડવીચ અને દૂધના ફાંફા! AI ટેક્નોલોજી ફેઈલ જતાં ગ્રાહકો પરેશાન, કચરાપેટીમાં ઠલવાયો હજારોનો ખોરાક

નવા સીઈઓ બ્રાયન નિકોલ માટે 'સપ્લાય ચેઇન' બની માથાનો દુખાવો; ૩૦ વર્ષ જૂની સિસ્ટમ અને સપ્લાયર્સના વિખરાયેલા નેટવર્કને કારણે કંપનીને કરોડોનું નુકસાન.

ન્યૂ યોર્ક, તા. 28 : જો તમે સ્ટારબક્સમાં તમારી મનપસંદ કોફી કે સેન્ડવીચ લેવા જાવ અને 'સ્ટોક નથી' એવો જવાબ મળે, તો નવાઈ પામશો નહીં. દુનિયાની સૌથી મોટી કોફી ચેઇન અત્યારે એક અજીબોગરીબ સંકટમાંથી પસાર થઈ રહી છે. એક તરફ સ્ટોર્સમાં જરૂરી સામાન પહોંચતો નથી, તો બીજી તરફ ઘણી જગ્યાએ એટલો બધો સામાન મોકલી દેવાય છે કે તેને કચરાપેટીમાં ફેંકવાનો વારો આવે છે. રોઇટર્સના અહેવાલ મુજબ, આ પાછળનું મુખ્ય કારણ સ્ટારબક્સની જૂની પુરાણી ટેક્નોલોજી અને એઆઈ (AI) માં આવેલી ખામીઓ છે.
AI ની અજીબ ભૂલો: દૂધ અને સીરપ ઓળખવામાં ખાધી થાપ
સ્ટારબક્સે સ્ટોકમાં રહેલી વસ્તુઓની ગણતરી કરવા માટે 'નોમાડગો' નામનું હાઈ-ટેક AI ટૂલ લોન્ચ કર્યું હતું. આ સિસ્ટમમાં બેરિસ્ટાએ માત્ર ટેબ્લેટના કેમેરાથી છાજલીઓ સ્કેન કરવાની હોય છે. પરંતુ વાસ્તવિકતામાં આ AI ઘણીવાર દૂધના પેકેટ ઓળખવામાં ભૂલ કરે છે અથવા છાજલી પર પડેલી સીરપની બોટલો ગણી શકતું નથી. પરિણામે, જે વસ્તુની જરૂર હોય તે મંગાવાતી નથી અને જેની જરૂર નથી તેના ઓર્ડર છૂટી જાય છે.
૩૦ વર્ષ જૂની સિસ્ટમ અને સ્ટોરેજની અછત
તપાસમાં બહાર આવ્યું છે કે સ્ટારબક્સ હજુ પણ ૧૯૯૭ના સમયના જૂના IBM કમ્પ્યુટર હાર્ડવેર પર નિર્ભર છે. નિષ્ણાતો કહે છે કે આ સિસ્ટમ બદલવી એ 'ઉડતા વિમાનનું એન્જિન બદલવા' જેવું અઘરું કામ છે. વળી, સ્ટારબક્સના સ્ટોર્સ શરૂઆતમાં માત્ર કોફી માટે ડિઝાઇન કરાયા હતા, હવે જ્યારે ત્યાં ખાણીપીણીની વસ્તુઓનું વેચાણ ૨૩% સુધી પહોંચી ગયું છે, ત્યારે તેમની પાસે ફ્રીજ અને સ્ટોરેજ માટે પૂરતી જગ્યા નથી.
સેંકડો કિલો ખોરાકનો બગાડ
કનેક્ટિકટના એક બેરિસ્ટાએ જણાવ્યું કે સપ્લાયમાં ગરબડને કારણે એક જ રાતમાં તેણે ત્રણ મોટી કચરાપેટી ભરાય તેટલો ખોરાક ફેંકી દેવો પડ્યો હતો. ન્યૂ યોર્કની ફૂડ બેંકે પણ પુષ્ટિ કરી છે કે સપ્ટેમ્બર મહિનામાં સ્ટારબક્સ તરફથી દાનમાં મળતા ખોરાકમાં મોટો ઉછાળો આવ્યો હતો, કારણ કે ઓવર-સ્ટોકિંગને કારણે સામાન સ્ટોર્સમાં સમાતો નહોતો.
નવા સીઈઓ બ્રાયન નિકોલે હવે એમેઝોનના પૂર્વ એક્ઝિક્યુટિવ્સની મદદ લઈને આખી સપ્લાય ચેઇનને સુધારવાનું બીડું ઝડપ્યું છે. ગ્રાહકોને આશા છે કે હવે તેમને એપ્લિકેશન પર 'આઉટ ઓફ સ્ટોક'ના મેસેજ ઓછા જોવા મળશે.

(5:58 PM IST)