News of Wednesday, 28th January 2026
ડિજિટલ દુનિયાનું કાળું પાસું: એપલ અને ગુગલ પ્લે સ્ટોર પર 'ડર્ટી એપ્સ'નો આતંક : મહિલાઓના ફોટા સાથે થઈ રહી છે છેડાછાડી
AI ના નામે અશ્લીલતાનો ખેલ: સામાન્ય ફોટામાંથી કપડાં હટાવી દેતી ૧૦૦થી વધુ એપ્લિકેશન્સ હજુ પણ સક્રિય : ૭૦ કરોડથી વધુ ડાઉનલોડ્સ અને કરોડોની કમાણી કરતું આ ગેરકાયદેસર નેટવર્ક તમારી પ્રાઈવસી માટે મોટો ખતરો

અમદાવાદ: તકનીકી ક્રાંતિની સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના દુરુપયોગની એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. 'ટેક ટ્રાન્સપરન્સી પ્રોજેક્ટ'ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, એપલના એપ સ્ટોર અને ગુગલના પ્લે સ્ટોર પર એવી ડઝનબંધ એપ્સ મળી આવી છે જે મહિલાઓની પરવાનગી વિના તેમના સામાન્ય ફોટાને અશ્લીલ કે નગ્ન છબીઓમાં ફેરવી નાખે છે. આ 'ડિપફેક' ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલી એપ્સ માત્ર એક ક્લિક પર કપડાં હટાવવાની (Undress) સુવિધા આપે છે. ચોંકાવનારી વાત એ છે કે બંને દિગ્ગજ કંપનીઓએ પ્રતિબંધ હોવાનો દાવો કરવા છતાં આવી ૧૦૦ થી વધુ એપ્સ હજુ પણ સરળતાથી ઉપલબ્ધ છે.
આ એપ્સ માત્ર ઉપલબ્ધ જ નથી, પરંતુ તેનો વ્યાપ જોઈને નિષ્ણાતો પણ સ્તબ્ધ છે. ડેટા દર્શાવે છે કે વિશ્વભરમાં આ એપ્સને ૭૦૦ મિલિયન (૭૦ કરોડ) થી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે અને આ ગંદા ખેલ દ્વારા ડેવલપર્સે ૧૧૭ મિલિયન યુએસ ડોલરની અધધ કમાણી કરી છે. યુઝર્સ માત્ર 'નગ્ન' અથવા 'કપડાં ઉતારવા' જેવા સાદા શબ્દો સર્ચ કરીને આ એપ્સ સુધી પહોંચી શકે છે. જોકે ટેક કંપનીઓ તેને દૂર કરવાનો દાવો કરે છે, પરંતુ દરરોજ નવા નામે આવી એપ્સ ફરીથી સ્ટોર પર દેખાવા લાગે છે, જે એપલ અને ગુગલની ફિલ્ટરિંગ સિસ્ટમ પર સવાલો ઉભા કરે છે.
કોઈપણ વ્યક્તિની સંમતિ વિના તેના ફોટાને એડિટ કરીને અશ્લીલ બનાવવા એ માત્ર નૈતિક રીતે ખોટું નથી, પરંતુ ભારતીય કાયદા અને આંતરરાષ્ટ્રીય સાયબર કાયદા હેઠળ ગંભીર ગુનો છે. આ પ્રકારના કૃત્ય બદલ જેલની સજા અને ભારે દંડની જોગવાઈ છે. સાયબર એક્સપર્ટ્સ વાલીઓને અને મહિલાઓને ચેતવણી આપી રહ્યા છે કે તેઓ સોશિયલ મીડિયા પર ફોટા શેર કરવામાં સાવચેતી રાખે અને આવી કોઈ પણ શંકાસ્પદ એપનો ઉપયોગ ટાળે. તમારી એક નાનકડી ભૂલ કોઈની જિંદગી બરબાદ કરી શકે છે અને તમને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
