<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

બજેટ ૨૦૨૬: ખેડૂતોના ખાતામાં હવે ₹૬૦૦૦ને બદલે ₹૮૦૦૦ આવશે? નાણામંત્રીના પિટારામાંથી નીકળશે મોટી ભેટ

નાણામંત્રી નિર્મલા સીતારમણ કૃષિ બજેટને ₹૧.૫ લાખ કરોડે પહોંચાડે તેવી શક્યતા: પીએમ કિસાન યોજનાનો હપ્તો વધારવા ખેડૂતોમાં ભારે આશા : નકલી બિયારણ પર લગામ અને જંતુનાશકો પર GST ઘટાડવા 'ભૂમિપુત્રો'ની આતુરતા

નવી દિલ્હી:   ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટને લઈને દેશના કરોડો ખેડૂતોમાં ભારે ઉત્સાહ અને અપેક્ષાઓ જોવા મળી રહી છે. આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણ ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે કૃષિ બજેટમાં રેકોર્ડબ્રેક વધારો કરે તેવી પ્રબળ શક્યતા છે. સૌથી વધુ ચર્ચા 'પીએમ કિસાન સન્માન નિધિ' યોજનાની છે. મોંઘવારી અને ખેતીના વધતા ખર્ચને જોતા, હાલમાં મળતી વાર્ષિક ₹૬,૦૦૦ની રકમ વધારીને ₹૮,૦૦૦ કરવામાં આવે તેવી ચર્ચા છે. જો આવું થશે, તો ખેડૂતોને વાર્ષિક ત્રણને બદલે ચાર હપ્તા મળી શકે છે અથવા દરેક હપ્તાની રકમમાં વધારો થઈ શકે છે.

બજેટમાં માત્ર રોકડ સહાય જ નહીં, પણ ખેતીના પાયાના પ્રશ્નો ઉકેલવા પર પણ ભાર મૂકવામાં આવશે. સરકાર આ બજેટ સત્રમાં નવું 'બીજ બિલ' લાવી રહી છે, જે નકલી બિયારણ વેચનારાઓ માટે કાળ સમાન બનશે. ખેડૂત સંગઠનોની લાંબા સમયથી માંગ છે કે જંતુનાશકો પરનો GST ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવામાં આવે, જેથી ખેતીનો ઇનપુટ ખર્ચ ઓછો થાય. આ ઉપરાંત, 'ફિજિટલ' મોડેલ એટલે કે ડિજિટલ ટેકનોલોજી અને ભૌતિક માળખાકીય સુવિધાઓના સમન્વયથી પાકનો બગાડ અટકાવવા અને ખેડૂતોને સીધા વૈશ્વિક બજારો સાથે જોડવા માટે મોટી જાહેરાતો થઈ શકે છે.

ભારતની કૃષિ નિકાસ હાલમાં ૫૦-૫૫ બિલિયન ડોલરની આસપાસ છે, જેને નવી ઊંચાઈએ લઈ જવા માટે બજેટમાં ખાસ પ્રોત્સાહન આપવામાં આવશે. કોલ્ડ સ્ટોરેજ અને લોજિસ્ટિક્સ નેટવર્ક મજબૂત કરવા માટે જંગી ફાળવણીની અપેક્ષા છે. સરકાર પાક વીમા યોજનાને વધુ પારદર્શક બનાવવા અને ખેડૂતોને પાક નિષ્ફળ જાય ત્યારે ત્વરિત વળતર મળે તે માટે નવી ટેકનોલોજી પાછળ બજેટ ખર્ચી શકે છે. ટૂંકમાં, ૧ ફેબ્રુઆરીએ રજૂ થનારું આ બજેટ દેશના અન્નદાતાના જીવનમાં આર્થિક સમૃદ્ધિ લાવવા માટેનું 'માસ્ટરસ્ટ્રોક' સાબિત થઈ શકે છે.

(9:17 PM IST)