<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

બિહારમાં હરિયાણાના 'વિધાયક'નો દબદબો: 15 કરોડની કિંમતનો આ પાડો જોવા માટે ઉમટી ભીડ!

પદ્મશ્રી વિજેતા ખેડૂતનો મુર્રા પાડો બન્યો ડેરી એક્સ્પોનું આકર્ષણ; દેશભરમાં 20 થી વધુ સ્પર્ધાઓમાં જીતી ચૂક્યો છે ગોલ્ડ મેડલ

બેગુસરાય : બિહારના બેગુસરાયમાં આયોજિત 'બિહાર ડેરી એન્ડ કેટલ એક્સ્પો'માં અત્યારે એક અનોખો મહેમાન ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. હરિયાણાના પાનીપતથી આવેલો 'વિધાયક' નામનો મુર્રા જાતિનો પાડો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ કોઈ સામાન્ય પાડો નથી, પણ તેની કિંમત અંદાજે 15 કરોડ રૂપિયા આંકવામાં આવી છે! આ પાડો તેના માલિક પદ્મશ્રી નરેન્દ્ર સિંહને અત્યાર સુધીમાં માત્ર તેના સીમન (વીર્ય) વેચીને જ કરોડોની કમાણી કરાવી ચૂક્યો છે.
સાડા પાંચ ફૂટ ઊંચો આ કદાવર પાડો 'ગોલૂ બ્લડ લાઇન' સાથે જોડાયેલો છે. તેણે અત્યાર સુધી દેશભરમાં આયોજિત 20થી વધુ પશુ મેળાઓ અને સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેના માલિક નરેન્દ્ર સિંહને પશુઓની નસલ સુધારવા માટે વર્ષ 2019માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ પણ મળી ચૂક્યો છે. 'વિધાયક'ની લોકપ્રિયતા એટલી છે કે તેને જોવા માટે બિહારના ખૂણેખૂણેથી પશુપાલકો ઉમટી રહ્યા છે.
 બેગુસરાયના બરૌની મેદાનમાં શરૂ થયેલા આ ત્રણ દિવસીય મેળાનું ઉદ્ઘાટન પશુપાલન મંત્રી સુરેન્દ્ર મહેતાએ કર્યું હતું. આ મેળામાં માત્ર પ્રદર્શન જ નહીં, પરંતુ પશુઓ માટે 'મિલ્કિંગ સ્પર્ધા' (દૂધ દોહવાની સ્પર્ધા) પણ યોજાશે. જેમાં દેશી ગાય, જર્સી ગાય અને ભેંસની શ્રેણીમાં વિજેતા થનાર પશુપાલકોને 51,000 રૂપિયા સુધીના રોકડ પુરસ્કારો આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના ગોરખપુર અને આઝમગઢથી પણ શ્રેષ્ઠ નસલના પશુઓ લાવવામાં આવ્યા છે.
બિહાર ડેરી એક્સ્પો 30 જાન્યુઆરી સુધી ચાલશે, જ્યાં પશુપાલકોને આધુનિક ડેરી ટેકનોલોજી અને પશુ આહાર વિશેની માહિતી પણ પૂરી પાડવામાં આવશે. 'વિધાયક' ઉપરાંત અહીં 'મુખિયા' નામનો પાડો પણ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે, જે બિહારના પશુપાલન ક્ષેત્રે આવેલી નવી ક્રાંતિનો સંકેત આપી રહ્યો છે.

(10:03 PM IST)