<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

હૃદયદ્રાવક: અજિત પવારના અકસ્માત સમયે માતા ટીવી જોતા હતા, સમાચાર સાંભળીને આઘાત ન લાગે તે માટે નોકરોએ અગમ ચેતી વાપરીને ટીવીનું કનેક્શન કાપી નાખ્યું

માતાના મોબાઈલને પણ સેવકોએ તાત્કાલિક 'ફ્લાઈટ મોડ' પર મૂકી દીધો: માતાને અંદરખાને ફાળ પડતા પૂછ્યું- 'શું દાદાને અકસ્માત થયો છે?': ૪ દિવસ પહેલા જ માતા-પુત્રની છેલ્લી મુલાકાત થઈ હતી

મુંબઈ/બારામતી: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી અજિત પવારનું આજે સવારે બારામતી ખાતે વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે, પરંતુ આ કરુણ ઘટના પાછળ એક અત્યંત હૃદયદ્રાવક કિસ્સો પણ સામે આવ્યો છે. જ્યારે અજિત દાદાના પ્લેન ક્રેશના સમાચાર મીડિયામાં વહેતા થયા, ત્યારે તેમના વૃદ્ધ માતા આશાતાઈ બારામતીના ફાર્મહાઉસ પર ટીવી જોઈ રહ્યા હતા. દીકરાના મોતના સમાચાર ફ્લેશ થાય અને માતાને જીવલેણ આઘાત લાગે તે ડરથી ઘરના નોકરો અને સ્ટાફે ત્વરિત નિર્ણય લઈને ટીવીનું કેબલ કનેક્શન કાપી નાખ્યું હતું.

માતાને સમાચારથી દૂર રાખવા સેવકોની ભારે મથામણ: બારામતી એરપોર્ટ પર સવારે ૮:૪૫ વાગ્યે અજિત પવારનું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હતું. આ સમયે તેમના માતા ફાર્મહાઉસમાં ટીવી જોઈ રહ્યા હતા. દુર્ઘટનાની જાણ થતાં જ ફાર્મહાઉસના મેનેજર અને અન્ય કર્મચારીઓ ગભરાઈ ગયા હતા. તેમને ચિંતા હતી કે જો માતાજી ટીવી પર આ સમાચાર જોશે તો તેમને ગંભીર આઘાત લાગશે. આથી, નોકરોએ તરત જ ટીવીનું કેબલ કાપી નાખ્યું હતું અને સાવચેતીના ભાગરૂપે તેમનો મોબાઈલ ફોન પણ 'ફ્લાઈટ મોડ' પર મૂકી દીધો હતો, જેથી કોઈનો શોક સંદેશ કે ફોન તેમના સુધી પહોંચે નહીં.

 

માતાનું હૃદયદ્રવી ઉઠ્યું: 'શું મારા દાદાને કંઈ થયું છે?' : જોકે, માતાનું હૃદય કદાચ અજુગતું પામી ગયું હતું. ફાર્મહાઉસના મેનેજર સંપત ધાયગુડેના જણાવ્યા મુજબ, ટીવી અચાનક બંધ થતા અને સ્ટાફની દોડધામ જોઈને આશા તાઈએ પૂછ્યું હતું કે, "શું દાદા (અજિત પવાર)ને કોઈ અકસ્માત થયો છે?" સ્ટાફે તેમને સાંત્વના આપતા કહ્યું હતું કે કંઈ ખાસ થયું નથી, પરંતુ માતાનું મન માનવા તૈયાર નહોતું. 

 

જ્યારે થોડીવાર પછી સમાચાર મળ્યા કે અજિત દાદાને હોસ્પિટલ લઈ જવાયા છે, ત્યારે માતા જીદે ચડ્યા હતા અને જાતે જ પગપાળા ફાર્મહાઉસની બહાર નીકળવા લાગ્યા હતા. અંતે ભારે હૈયે સ્ટાફ તેમને બારામતીના બંગલે લઈ ગયો હતો.

 

ઉલ્લેખનીય છે કે, અજિત દાદા પવાર મુંબઈથી બારામતી આવી રહ્યા હતા ત્યારે ખરાબ હવામાનને કારણે તેમનું 'લિયરજેટ ૪૫' વિમાન રન-વે નજીક ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં અજિત પવાર ઉપરાંત બે પાયલટ અને બે અન્ય સ્ટાફ મેમ્બર્સ મળી કુલ ૫ લોકોના મોત થયા હતા.

 

શનિવારે જ માતાના ખબરઅંતર પૂછ્યા હતા : નિયતિની ક્રૂર મશ્કરી સમાન બાબત એ છે કે, માત્ર ચાર દિવસ પહેલા એટલે કે શનિવારે સવારે જ અજિત પવાર ફાર્મહાઉસ પર માતાને મળવા આવ્યા હતા. તેમણે ૧૫ મિનિટ સુધી માતા સાથે વાતો કરી હતી અને ખેતરના કામકાજ અંગે સૂચનાઓ આપી હતી. તે મુલાકાત માતા-પુત્રની અંતિમ મુલાકાત બની રહેશે તેની કોઈને કલ્પના નહોતી.

 

 

(10:48 PM IST)