આકાશમાં ભારતનો સુવર્ણ યુગ: ૨૦૪૭ સુધીમાં દેશમાં હશે ૪૦૦ એરપોર્ટ્સ : વિમાન ઉત્પાદનમાં પણ ભારત બનશે 'વર્લ્ડ લીડર'
'વિંગ્સ ઇન્ડિયા ૨૦૨૬'માં પીએમ મોદીનો હુંકાર: હવે માત્ર હવાઈ મુસાફરી જ નહીં, વિમાન પણ 'મેડ ઇન ઇન્ડિયા' હશે : ૧૦ વર્ષમાં એરપોર્ટ્સની સંખ્યા બમણી થઈ : હવે ટિયર-૨ અને ૩ શહેરો આર્થિક વિકાસના નવા કેન્દ્રો બનશે

હૈદરાબાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'વિંગ્સ ઇન્ડિયા ૨૦૨૬' કાર્યક્રમમાં ભારતના ઉડ્ડયન ક્ષેત્રના ભવિષ્યનો એક ભવ્ય રોડમેપ રજૂ કર્યો છે. પીએમ મોદીએ ગર્વ સાથે જણાવ્યું કે, ૨૦૧૪માં જ્યાં દેશમાં માત્ર ૭૦ એરપોર્ટ્સ હતા, ત્યાં આજે આ સંખ્યા વધીને ૧૬૦ને પાર કરી ગઈ છે. સરકારનું લક્ષ્ય ૨૦૪૭ સુધીમાં ભારતને ૪૦૦થી વધુ એરપોર્ટ્સના વિશાળ નેટવર્ક સાથે જોડવાનું છે. પીએમએ સ્પષ્ટ કર્યું કે હવાઈ મુસાફરી હવે કોઈ વિશિષ્ટ ક્લબની જાગીર નથી રહી, પરંતુ 'ઉડાન' યોજનાને કારણે સામાન્ય નાગરિક પણ હવે વિમાનમાં ઉડતો થયો છે. ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ડોમેસ્ટિક એવિએશન માર્કેટ બની ગયું છે, જે તેની વધતી આર્થિક શક્તિનું પ્રતીક છે.
માત્ર એરપોર્ટ્સ બનાવવા જ નહીં, પણ ભારત હવે વિમાન ઉત્પાદન ક્ષેત્રે પણ 'આત્મનિર્ભર' બનવાની દિશામાં કદમ વધારી રહ્યું છે. પીએમ મોદીએ જાહેરાત કરી કે ભારત હવે લશ્કરી અને પરિવહન વિમાનોનું ઉત્પાદન દેશમાં જ શરૂ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં નાગરિક (કોમર્શિયલ) વિમાનો પણ ભારતમાં જ બનશે. ભારતીય એરલાઇન્સે જે રીતે ૧,૫૦૦ નવા વિમાનોનો ઓર્ડર આપ્યો છે, તે દર્શાવે છે કે આવનારા સમયમાં ભારત એરક્રાફ્ટ ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ અને મેન્ટેનન્સ માટેનું વૈશ્વિક હબ બનશે. આનાથી વિદેશી કંપનીઓ પરની નિર્ભરતા ઘટશે અને દેશમાં રોજગારીની લાખો તકો ઉભી થશે.
સરકાર હવે ઉડાન યોજનાના આગામી તબક્કા અને 'સી પ્લેન' ઓપરેશન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેથી નદીઓ અને દરિયા કિનારાના વિસ્તારોને પણ હવાઈ માર્ગે જોડી શકાય. પીએમ મોદીના મતે, જેમ જેમ ભારત વિકાસના પંથે આગળ વધશે તેમ તેમ એર કનેક્ટિવિટી આર્થિક પ્રગતિનું મુખ્ય એન્જિન સાબિત થશે. ટિયર-૨ અને ટિયર-૩ શહેરોમાં એરપોર્ટ્સ આવવાથી ત્યાં ઉદ્યોગો અને પ્રવાસનને નવો વેગ મળી રહ્યો છે. પીએમએ રોકાણકારોને આહવાન કર્યું છે કે તેઓ ભારતના આ મજબૂત ઇકોસિસ્ટમનો હિસ્સો બને, કારણ કે ભારત હવે માત્ર ઉડવા માટે જ નહીં, પણ દુનિયાને ઉડાડવા માટે પણ તૈયાર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
