વધુ એક પ્લેન ક્રેશની ઘટનામાં સાંસદ સહિત ૧૫ લોકોના નિધન
આ શું થવા બેઠું છે ? કોલંબિયામાં એક દુઃખદ વિમાન દુર્ઘટના બની

લંડન તા.૨૯: બારામતીમાં ગઇકાલે પ્લેન ક્રેશની ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારના નિધનની વચ્ચે વધુ એક પ્લેન ક્રેશની ઘટના સામે આવી છે. વાસ્તવમાં કોલંબિયામાં બુધવાર, ૨૮ જાન્યુઆરીના રોજ એક દુઃખદ વિમાન દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં દેશના એક સંસદ સભ્ય સહિત કુલ ૧૫ લોકોનાં મૃત્યુ થયાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આ ઘટનાએ સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
મળતી માહિતી મુજબ ટ્વીન-એન્જિન પ્રોપેલર વિમાન કોલંબિયાની સરકારી એરલાઇન સેટેના દ્વારા સંચાલિત હતું. વિમાને કુકુટા શહેરથી ઉડાન ભરી હતી અને તેનું ગંતવ્ય ઓકાના શહેર હતું. ટેકઓફ થયા બાદ લગભગ ૧૨ મિનિટમાં જ વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો હતો.
આ તરફ કલાકો સુધી ચાલેલી શોધખોળ બાદ કોલંબિયાની વાયુસેનાએ ઉત્તર સેન્ટેન્ડર પ્રાંતના પ્લેયા ડી બેલેન વિસ્તાર નજીક પર્વતીય પ્રદેશમાં વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો. દુર્ઘટનાનું સ્થળ એન્ડીઝ પર્વતમાળામાં આવેલું હોવાથી રાહત અને બચાવ કાર્યમાં ભારે મુશ્કેલીઓ આવી હતી
આ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં ૩૬ વર્ષીય સંસદ સભ્ય ડાયોજીનેસ ક્વિન્ટેરો પણ સામેલ હતા. તેઓ કાટાટુમ્બો વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા, જે લાંબા સમયથી સંઘર્ષ અને ગેરકાયદે કોકા ખેતી માટે ઓળખાય છે. વર્ષ ૨૦૨૨માં તેઓ સંઘર્ષ પીડિતો માટે અનામત રાખેલી ખાસ બેઠકોમાંથી ચૂંટાઈ આવ્યા હતા. આ દુર્ઘટનામાં આગામી ચૂંટણીના ઉમેદવાર કાર્લોસ સાલ્સેડોનું પણ અવસાન થયું હતું.
વિશેષજ્ઞોનું માનવું છે કે, આ દુર્ઘટનાના સંભવિત કારણોમાં કઠોર પર્વતીય ભૂપ્રદેશ, અણધારી હવામાન પરિસ્થિતિ અથવા ટેકનિકલ ખામી સામેલ હોઈ શકે છે. હાલ ઉડ્ડયન અધિકારીઓ દ્વારા આ મામલે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે. કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ સોશિયલ મીડિયા મારફતે આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.(૩૮.૨)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
