<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

ચંદીગઢમાં ભાજપનો ‘માસ્‍ટરસ્‍ટ્રોક': વિપક્ષી એકતાના ફિયાસ્‍કા વચ્‍ચે કેસરીયો લહેરાયો

AAP-કોંગ્રેસના સુપડા સાફ : મેયર, સિનિયર ડેપ્‍યુટી મેયર અને ડેપ્‍યુટી મેયર એમ ત્રણેય પદો પર ભાજપનો શાનદાર કબ્‍જો

ચંદીગઢ, તા.૨૯: મુંબઈ મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં ભવ્‍ય સફળતા બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ ચંદીગઢ મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં પણ વિરોધ પક્ષોના સુપડા સાફ કરી નાખ્‍યા છે. હાઈવોલ્‍ટેજ ડ્રામા અને રાજકીય ખેંચતાણ વચ્‍ચે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના સૌરભ જોશી ચંદીગઢના નવા મેયર તરીકે ચૂંટાઈ આવ્‍યા છે. આ ચૂંટણીમાં સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે, ભાજપ વિરુદ્ધ એક થઈને લડવાનો દાવો કરનાર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્‍ચે તાલમેલનો અભાવ જોવા મળ્‍યો, જેના પરિણામે ભાજપે ક્‍લીન સ્‍વીપ કરીને ત્રણેય મહત્‍વના પદો પર જીત હાંસલ કરી છે.

ચૂંટણીની પ્રક્રિયા સવારે ૧૧ વાગ્‍યે શરૂ થઈ ત્‍યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ હતો. આ વખતે બેલેટ પેપરના બદલે હાથ ઊંચા કરીને મતદાન કરવાની પદ્ધતિ અપનાવવામાં આવી હતી. ભાજપ પાસે પોતાના ૧૮ મતોનું સંખ્‍યાબળ મક્કમ હતું, જ્‍યારે વિપક્ષી છાવણીમાં ભારે અસમંજસ જોવા મળી. કોંગ્રેસના ઉમેદવાર ગુરપ્રીત સિંહ ગબ્‍બી અને AAPના યોગેશ ઢીંગરા મેદાનમાં હોવાથી વિપક્ષી મતોનું વિભાજન થયું. જેવી મેયર પદની પ્રક્રિયા પૂર્ણ થઈ, કે તરત જ કોંગ્રેસના કાઉન્‍સિલરો અને સાંસદ મનીષ તિવારી ગળહ છોડીને ચાલ્‍યા ગયા હતા, જેના કારણે સિનિયર ડેપ્‍યુટી મેયર અને ડેપ્‍યુટી મેયરની ચૂંટણીમાં ભાજપ માટે કોઈ પડકાર જ બાકી રહ્યો નહોતો.પરિણામોની વિગત મુજબ, સૌરભ જોશીને ૧૮ મત મળ્‍યા હતા, જ્‍યારે AAPને ૧૧ અને કોંગ્રેસને માત્ર ૭ મતથી સંતોષ માનવો પડ્‍યો હતો. આ જીત સાથે જ જસમનજીત સિંહ સિનિયર ડેપ્‍યુટી મેયર અને સુમન શર્મા ડેપ્‍યુટી મેયર તરીકે બિનહરીફ જેવા માહોલમાં ચૂંટાઈ આવ્‍યા છે. રાજકીય વિશ્‍લેષકો આ જીતને ભાજપની રણનીતિની સફળતા અને વિપક્ષી ગઠબંધનની નબળાઈ તરીકે જોઈ રહ્યા છે. કેજરીવાલની AAP અને કોંગ્રેસ એકબીજાને ટેકો આપવામાં નિષ્‍ફળ રહેતા ચંદીગઢના ગઢમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે, જે આગામી સમયમાં આ ક્ષેત્રના રાજકારણમાં નવા સમીકરણો સર્જશે. 

(2:46 PM IST)