CJI સૂર્યકાંતનો ટ્રેડ યુનિયનો પર પ્રહાર: "તમારા કારણે નોકરીઓ છીનવાઈ રહી છે": ઉદ્યોગોના પતન માટે યુનિયનોને ગણાવ્યા જવાબદાર
ઘરેલુ કામદારોના વેતન પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ઈનકાર: "જો કાયદો કડક બનશે તો લોકો કામ આપવાનું બંધ કરી દેશે" : સિંગાપોર મોડેલ ભારત માટે અયોગ્ય : માનવીય સંબંધોમાં કાનૂની દખલથી સામાજિક કટોકટી સર્જાવાનો CJIનો ડર

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે ટ્રેડ યુનિયનોની કાર્યપદ્ધતિ અને તેમની ભૂમિકા પર અત્યંત આકરા પ્રહારો કર્યા છે. ઘરેલુ કામદારો માટે લઘુત્તમ વેતન નક્કી કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી દરમિયાન CJIએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, દેશમાં અનેક પરંપરાગત ઉદ્યોગોના વિનાશ અને ઔદ્યોગિક વિકાસમાં અવરોધ માટે કહેવાતા "ફ્લેગશિપ યુનિયનો" જવાબદાર છે. તેમણે ઉમેર્યું કે આ નેતાઓ કામ કરવા માંગતા નથી અને તેમની આ હઠધર્મી નીતિઓને કારણે સામાન્ય લોકોની નોકરીઓ છીનવાઈ રહી છે. કોર્ટના મતે, યુનિયનોના અતિશય હસ્તક્ષેપથી ઉદ્યોગપતિઓ એકમો બંધ કરવા મજબૂર બન્યા છે.
ઘરેલુ કામદારો (માલીશવાળા, રસોઈયા, સફાઈ કામદારો) માટે લઘુત્તમ વેતન અને કડક રજીસ્ટ્રેશનના નિયમો લાવવાની માંગ પર CJIએ ચિંતા વ્યક્ત કરી કે, જો આવું થશે તો દરેક ભારતીય ઘર એક મુકદ્દમાનું કેન્દ્ર બની જશે. ભારતમાં માલિક અને કામદાર વચ્ચે માત્ર વ્યવસાયિક નહીં પણ 'વિશ્વાસ અને પરિવાર' જેવો સંબંધ હોય છે. જો લઘુત્તમ વેતનનું ગણિત લાદવામાં આવશે, તો મધ્યમ વર્ગના લોકો આર્થિક બોજ અને કાનૂની લડાઈના ડરથી કામદારોને રાખવાનું જ બંધ કરી દેશે. આના પરિણામે લાખો ગરીબ લોકોની આજીવિકા પર સીધું સંકટ આવશે અને 'માંગ-પુરવઠા'નું સંતુલન બગડી જશે.
CJI સૂર્યકાંતે સિંગાપોર જેવા દેશોના મોડેલને ભારતમાં લાગુ કરવાનો ઇનકાર કરતા જણાવ્યું કે ત્યાંની અને ભારતની સામાજિક સ્થિતિ અલગ છે. કોર્ટે એક ચોંકાવનારું ઉદાહરણ આપતા કહ્યું કે અસલી શોષણ તો વચેટિયા એજન્સીઓ કરી રહી છે, જે સુપ્રીમ કોર્ટના કર્મચારીઓના પગારમાંથી પણ મોટો હિસ્સો ખાઈ જતી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કાયદા બનાવવાનું કામ સંસદનું છે, ન્યાયતંત્રનું નહીં. સુધારાઓના નામે લાદવામાં આવતા કડક નિયમો ક્યારેક ફાયદાને બદલે નુકસાન વધુ કરે છે, તેથી કામદારોને કાયદાકીય જાળમાં ફસાવવા કરતા તેમને કૌશલ્યવાન બનાવવા વધુ જરૂરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
