તમિલનાડુમાં 'થલાપતિ'નો પાવર પ્લે: કોંગ્રેસને મળશે વિજયનો આધાર ? પાર્ટીના યુ-ટર્નથી ડીએમકે છાવણીમાં ફફડાટ
વિજયના પિતા એસ.એ. ચંદ્રશેખરનો મોટો ધડાકો: "પતન તરફ જતી કોંગ્રેસને પુનર્જીવિત કરશે વિજય" : ડીએમકેને 'રાજકીય' અને ભાજપને 'વૈચારિક' દુશ્મન ગણાવ્યા બાદ હવે નવા ગઠબંધનના એંધાણ

ચેન્નાઈ: તમિલનાડુના રાજકારણમાં અત્યારે ફિલ્મી પડદા જેવો હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. સુપરસ્ટાર વિજયની પાર્ટી 'તમિલનાડુ વેટ્રી કઝગમ' (TVK) એ જે રીતે અત્યાર સુધી "એકલા ચલો" ની નીતિ અપનાવી હતી, તેમાં હવે મોટો વળાંક આવતો જણાય છે. વિજયના પિતા અને દિગ્ગજ દિગ્દર્શક એસ.એ. ચંદ્રશેખરે સંકેત આપ્યો છે કે વિજયની પાર્ટી કોંગ્રેસ સાથે હાથ મિલાવી શકે છે. ચંદ્રશેખરે કહ્યું કે કોંગ્રેસ અત્યારે અન્ય પક્ષો પર નિર્ભર રહીને પોતાની તાકાત ગુમાવી રહી છે અને વિજય તેને ફરીથી બેઠી કરવા માટે તૈયાર છે. આ નિવેદને સત્તાધારી ડીએમકે (DMK) માટે ખતરાની ઘંટડી વગાડી દીધી છે.
વિજયના પિતાની આ રણનીતિ પાછળ એક ઊંડો રાજકીય ઈરાદો છુપાયેલો હોય તેવું લાગે છે. અત્યાર સુધી કોંગ્રેસ તમિલનાડુમાં ડીએમકે સાથે ગઠબંધનમાં રહી છે, પરંતુ જો વિજય કોંગ્રેસને પોતાની તરફ ખેંચવામાં સફળ રહે છે, તો ડીએમકેના વોટ બેંકમાં મોટું ગાબડું પડી શકે છે. ચંદ્રશેખરે સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસ જો આ તક ગુમાવશે તો તે તેમની મોટી ભૂલ હશે. બીજી તરફ, વિજયના સમર્થકો હજુ પણ ઈચ્છે છે કે 'થલાપતિ' એકલા હાથે ચૂંટણી લડે, કારણ કે તેમનું માનવું છે કે જનતા ૬૦ વર્ષના દ્રવિડ શાસનથી કંટાળી ગઈ છે અને વિજય એક સક્ષમ વિકલ્પ છે.
TVK ના નેતાઓએ અગાઉ ડીએમકેને "દુષ્ટ શક્તિ" અને ભાજપને "વૈચારિક શત્રુ" ગણાવીને પોતાની લાઇન સ્પષ્ટ કરી હતી. વિજયે તાજેતરમાં જ મહાબલીપુરમમાં ડીએમકે પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે શાસક પક્ષ પોતાના આદર્શો ભૂલી ગયો છે. જો કોંગ્રેસ વિજયને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે સ્વીકારે, તો તમિલનાડુમાં એક નવું અને મજબૂત ત્રીજું મોરચું આકાર લઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ હાઈકમાન્ડ ડીએમકેનો સાથ છોડીને વિજયના યુવા અને પ્રભાવશાળી નેતૃત્વ પર ભરોસો મૂકે છે કે નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
