News of Thursday, 29th January 2026
UGC ના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટનો 'બ્રેક': મંત્રી ઓમપ્રકાશ રાજભર બોલ્યા- "મેં તો પહેલા જ કહ્યું હતું કે કોર્ટના દરવાજા ખુલ્લા છે!"
CJI સૂર્યકાંતની બેન્ચે 'નિયમો'ને ગણાવ્યા અસ્પષ્ટ; અખિલેશ યાદવે કહ્યું- "નિર્દોષો સાથે અન્યાય ન થવો જોઈએ", હવે જૂની વ્યવસ્થા જ ચાલુ રહેશે

નવી દિલ્હી: દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવાના નામે લાવવામાં આવેલા 'UGC નિયમો-2026' પર સુપ્રીમ કોર્ટે વચગાળાની રોક લગાવી દીધી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે અવલોકન કર્યું હતું કે આ નિયમો પ્રથમ દૃષ્ટિએ અસ્પષ્ટ છે અને તેનો દુરુપયોગ થવાની પૂરેપૂરી શક્યતા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર આ નિયમોને ફરીથી તૈયાર ન કરે ત્યાં સુધી તેને સ્થગિત રાખવામાં આવે અને 2012ના જૂના નિયમો જ અમલી રહેશે.
કોર્ટના આ સ્ટે બાદ ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "UGC ના આ નવા નિયમો આવ્યા તે દિવસથી જ હું કહેતો હતો કે જો કોઈને અન્યાય લાગે તો સુપ્રીમ કોર્ટના દરવાજા ખુલ્લા છે. આજે કોર્ટે વિદ્યાર્થીઓની વિનંતી સ્વીકારી છે તે આવકારદાયક છે. સરકારે પણ હવે 15 દિવસમાં રિપોર્ટ સોંપવા માટે સમિતિ બનાવી છે."
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ આ મામલે સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે બંધારણ આપણને ભેદભાવ કરવાની પરવાનગી આપતું નથી, તેમ છતાં સમયાંતરે આવા પ્રયાસો થાય છે. અમારું માનવું છે કે કોઈ પણ નિર્દોષ વિદ્યાર્થી સાથે અન્યાય ન થવો જોઈએ. બીજી તરફ, જેડીયુ (JDU) નેતા રાજીવ રંજને જણાવ્યું કે આ એક ન્યાયિક પ્રક્રિયા છે અને કેન્દ્ર સરકાર સોગંદનામું રજૂ કરીને કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રાખશે.
13 જાન્યુઆરી, 2026 ના રોજ સૂચિત કરવામાં આવેલા આ નિયમો સામે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ અને ઉચ્ચ જાતિના લોકોમાં ભારે રોષ હતો. અરજદારોની દલીલ હતી કે આ નિયમો ભેદભાવપૂર્ણ છે અને બંધારણની કલમ-14 (સમાનતાનો અધિકાર) નું ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટે હવે આ મામલે પછાત સમુદાયના વિદ્યાર્થીઓની ફરિયાદ નિવારણ પ્રણાલી જળવાઈ રહે તે માટે કલમ-142 હેઠળ પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કર્યો છે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
