<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

મધરાતે વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ થતાં ચાહકોમાં આક્રોશ: અનુષ્કાની પ્રોફાઇલ પર સવાલોનો મારો, સવારે એકાઉન્ટ ફરી દેખાતા હાશકારો

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે, પરંતુ ગઈકાલે મોડી રાત્રે એક વિચિત્ર ઘટનાએ ચાહકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. વિરાટ કોહલીનું ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અચાનક પ્લેટફોર્મ પરથી ગાયબ થઈ ગયું હતું. સર્ચ કરવા છતાં પ્રોફાઈલ ન મળતા ચાહકો ચિંતામાં મુકાયા હતા અને લોકોએ પત્ની અનુષ્કા શર્માને ટેગ કરીને સવાલો પૂછવાનું શરૂ કર્યું હતું. જોકે, સવારે એકાઉન્ટ પુનઃ કાર્યરત થતા સૌએ રાહતનો દમ લીધો હતો.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉનું ટ્વિટર) અને ઇન્સ્ટાગ્રામ પર મોડી રાત્રે આ ઘટના ટ્રેન્ડ થવા લાગી હતી. રાત્રિના સમયે જ્યારે યુઝર્સે વિરાટ કોહલીનું એકાઉન્ટ સર્ચ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે 'યુઝર નોટ ફાઉન્ડ' અથવા બ્લેન્ક પેજ જોવા મળી રહ્યું હતું. 

વિરાટ કોહલીના ૨.૭૦ કરોડથી વધુ ફોલોઅર્સ છે, તેથી આ ઘટનાએ તરત જ અફવાઓનું બજાર ગરમ કરી દીધું હતું. ઘણા યુઝર્સે એવી અટકળો લગાવી હતી કે શું વિરાટનું એકાઉન્ટ હેક થયું છે કે પછી તેણે જાતે જ સોશિયલ મીડિયામાંથી બ્રેક લીધો છે?

ગભરાયેલા ચાહકો સીધા અનુષ્કા શર્માના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પહોંચી ગયા હતા. અનુષ્કાની લેટેસ્ટ પોસ્ટના કમેન્ટ સેક્શનમાં લોકોએ "વિરાટનું એકાઉન્ટ ક્યાં ગયું?", "શું બધું બરાબર છે?" તેવા સવાલોનો મારો ચલાવ્યો હતો. જોકે, આ એક ટેકનિકલ ખામી (ગ્લીચ) હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે, શુક્રવારે સવારે જ્યારે લોકોએ ફરી તપાસ કરી તો વિરાટનું એકાઉન્ટ યથાવત સ્થિતિમાં જોવા મળ્યું હતું. 

 

ઇન્સ્ટાગ્રામ પર અવારનવાર આવી ટેકનિકલ ખામીઓ સર્જાતી હોય છે, જેના કારણે પ્રોફાઇલ દેખાતી બંધ થઈ જાય છે. સવારે એકાઉન્ટ પાછું આવતા ચાહકોની ચિંતા દૂર થઈ હતી.

(10:55 AM IST)