<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

રીઅલ લાઇફ ‘વન્ડર વુમન’: ડ્રાઈવર વગરની ચાલતી ટ્રકમાં મહિલાએ મારી છલાંગ અને ફિલ્મી સ્ટાઈલમાં લગાવી બ્રેક!

સીસીટીવી ફૂટેજ વાયરલ: મહિલાની સમયસૂચકતાએ ભયાનક અકસ્માત ટાળ્યો, સોશિયલ મીડિયા પર લોકોએ કહ્યું- ‘ક્વીન બિહેવિયર’

નવી દિલ્હી, તા.૩૦: ઘણીવાર ફિલ્મોમાં આપણે હીરોને ચાલતી ગાડીમાં કૂદીને અકસ્માત રોકતા જોઈએ છીએ, પણ આવો જ એક ‘કેપ્ટન અમેરિકા’ જેવો સીન હકીકતમાં જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર અત્યારે એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક જાબાંઝ મહિલાએ પોતાની જાન જોખમમાં મૂકીને એક બેકાબૂ ટ્રકને રોકીને અનેક લોકોના જીવ બચાવ્યા છે.
ઘટનાના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક વાદળી રંગની ટ્રક રસ્તાની સાઈડમાં પાર્ક કરેલી હતી. અચાનક, ડ્રાઈવરની ગેરહાજરીમાં આ ટ્રક પોતાની મેળે ગબડવા લાગી અને રસ્તા પર આગળ વધવા માંડી. નજીક જ ઊભેલી એક મહિલાને તરત જ અહેસાસ થયો કે જો આ ટ્રકને રોકવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ક્ષણનો પણ વિલંબ કર્યા વગર, તે મહિલા ટ્રકના ખુલ્લા દરવાજા તરફ દોડી અને ચાલતી ટ્રકની કેબિનમાં કૂદી પડી.
 
કેપ્ટન અમેરિકા જેવો સીન રી-ક્રિએટ થયો
ટ્રક અંદરથી ખાલી હતી અને તે ગતિ પકડી રહી હતી. મહિલાએ અંદર પહોંચીને ભારે સંઘર્ષ બાદ હેન્ડ બ્રેક ખેંચી લીધી, જેના કારણે ટ્રક ઊભી રહી ગઈ. આ દરમિયાન બે પુરુષો પણ ટ્રકની પાછળથી તેને ધક્કો મારીને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. એક યુઝરે રમૂજમાં લખ્યું, "પાછળના બે પુરુષો તો કેપ્ટન અમેરિકાનો પેલો હેલિકોપ્ટર રોકવા વાળો સીન રી-ક્રિએટ કરી રહ્યા હતા, પણ અસલી હીરો તો આ મહિલા છે!"
નેટીઝન્સ આ મહિલાની પ્રશંસા કરતા થાકતા નથી. જોકે આ ઘટના ક્યા સ્થળની છે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ આ વીડિયોએ સાબિત કરી દીધું છે કે સંકટ સમયે શાંત મગજ અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા કોઈ પણ મોટી આફતને ટાળી શકે છે.

(3:59 PM IST)