<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

સોના-ચાંદીના બજારમાં મોટો ભૂકંપ: ચાંદીમાં 15% અને સોનામાં 10%નો મસમોટો કડાકો!

બુલિયન માર્કેટમાં લોઅર સર્કિટ: રોકાણકારોના જીવ અધ્ધર, જાણો આ ઐતિહાસિક ઘટાડા પાછળના 5 મુખ્ય કારણો

મુંબઈ, તા.૩૦: ભારતીય કોમોડિટી બજાર (MCX) માટે આજનો દિવસ કાળો શુક્રવાર સાબિત થયો છે. સોના અને ચાંદીના ભાવમાં અકલ્પનીય કડાકો જોવા મળ્યો છે. ચાંદીના ભાવ ૧૫% જેટલા તૂટીને ‘લોઅર સર્કિટ’ પર પહોંચી ગયા હતા, જ્યારે સોનાના ભાવમાં પણ ૧૦%નો તોતિંગ ઘટાડો નોંધાયો છે. માત્ર ૨૪ કલાક પહેલા જ સોનું ૧.૭૫ લાખ અને ચાંદી ૪ લાખને પાર કરી ગયા હતા, પરંતુ શુક્રવારે બજાર ખૂલતાની સાથે જ ચિત્ર બદલાઈ ગયું હતું.
બજારમાં અચાનક આવેલી આ સુનામી પાછળ મુખ્યત્વે વૈશ્વિક નફાખોરી (Profit Booking) જવાબદાર માનવામાં આવે છે. લાંબા સમયથી ચાલી રહેલી તેજી બાદ રોકાણકારોએ મોટા પાયે વેચવાલી શરૂ કરી દીધી છે. જાણકારોનું કહેવું છે કે વૈશ્વિક બજારમાં સોનું ૫,૧૦૦ ડોલર પ્રતિ ઔંસની નીચે સરકી જતાં ભારતીય બજારમાં તેની સીધી અને નકારાત્મક અસર જોવા મળી છે.
 
બુલિયન માર્કેટ તૂટવા પાછળના મુખ્ય કારણો:
•    વૈશ્વિક પ્રોફિટ બુકિંગ: ભાવ આસમાને પહોંચ્યા બાદ મોટા રોકાણકારોએ નફો બુક કરવા માટે સોનું-ચાંદી વેચવાનું શરૂ કર્યું.
•    ટ્રમ્પનો નિર્ણય: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફેડરલ રિઝર્વના આગામી અધ્યક્ષ તરીકે કેવિન વોર્શનું નામ સૂચવાતા રોકાણકારોના સેન્ટિમેન્ટ બદલાયા છે.
•    અમેરિકામાં રાજકીય સ્થિરતા: યુએસ સરકારમાં શટડાઉન ટળવાના અહેવાલોથી સેફ-હેવન ગણાતા સોનાની માંગમાં ઘટાડો થયો છે.
•    ડોલરની મજબૂતી: વૈશ્વિક બજારમાં ડોલર મજબૂત થવાને કારણે કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે.
બજારના નિષ્ણાતો માને છે કે આગામી થોડા દિવસો હજુ પણ ભારે અસ્થિરતા (Volatility) જોવા મળી શકે છે. ફેબ્રુઆરીમાં રજૂ થનારા કેન્દ્રીય બજેટ પહેલા સોના-ચાંદીના ભાવમાં આવેલો આ ઘટાડો સામાન્ય ખરીદદારો માટે એક તક હોઈ શકે છે, પરંતુ રોકાણકારોએ અત્યારે અત્યંત સાવધ રહેવાની જરૂર છે.

(4:00 PM IST)