<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

ટ્રમ્પની ધમકીઓ 'બેઅસર': રિલાયન્સ રશિયા પાસેથી દરરોજ ખરીદશે ૧.૫૦ લાખ બેરલ તેલ : અમેરિકાના પ્રતિબંધોની ઐસીતૈસી!

જામનગર રિફાઇનરી માટે રશિયન ક્રૂડનો નવો રોડમેપ: યુએસ પ્રમુખના દબાણ છતાં ઉર્જા ક્ષેત્રે ભારતની મક્કમ છલાંગ : પ્રતિબંધ મુક્ત વિક્રેતાઓ શોધીને રિલાયન્સે કાઢ્યો વચલો રસ્તો : ફેબ્રુઆરીથી તેલના જંગી જથ્થાની આયાત થશે શરૂ

નવી દિલ્હી:  અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવા પર વારંવાર આપવામાં આવતી ધમકીઓની ભારત પર કોઈ ખાસ અસર જોવા મળી રહી નથી. ઉલ્ટાનું, ભારતની સૌથી મોટી ખાનગી રિફાઇનરી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ફેબ્રુઆરી ૨૦૨૬ થી રશિયન તેલની ખરીદીમાં મોટો ઉછાળો લાવવાની જાહેરાત કરી છે. વિશ્વના સૌથી મોટા રિફાઇનિંગ કોમ્પ્લેક્સનું સંચાલન કરતી રિલાયન્સ હવે દરરોજ ૧,૫૦,૦૦૦ બેરલ રશિયન ક્રૂડ ઓઇલ આયાત કરશે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ 'ઇન્ડિયા એનર્જી વીક' દરમિયાન આ વ્યૂહાત્મક નિર્ણયની પુષ્ટિ કરી છે, જે દર્શાવે છે કે ભારત પોતાના રાષ્ટ્રીય હિતો અને ઉર્જા સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી.

વૈશ્વિક પ્રતિબંધોના જટિલ જાળા વચ્ચે રિલાયન્સે અત્યંત ચતુરાઈભર્યો માર્ગ અપનાવ્યો છે. કંપની એવી રશિયન કંપનીઓ અને મધ્યસ્થી વિક્રેતાઓ પાસેથી તેલ સોર્સ કરી રહી છે જેના પર અમેરિકાએ કોઈ સીધા પ્રતિબંધો લાદ્યા નથી. અગાઉ ડિસેમ્બરમાં જ્યારે યુએસએ એક મહિનાની મુક્તિ આપી હતી, ત્યારે રિલાયન્સે 'રોઝનેફ્ટ' સાથેનો સોદો પૂર્ણ કર્યો હતો. પરંતુ હવે, મુખ્ય રશિયન કંપનીઓ પર નિર્ભર રહેવાને બદલે રિલાયન્સ તેના સ્ત્રોતોનું વૈવિધ્યીકરણ કરી રહી છે. આ વ્યૂહરચના હેઠળ જામનગર સ્થિત રિફાઇનરી માટે તેલનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવશે, જેથી સ્થાનિક બજારની જરૂરિયાતોને કોઈપણ અડચણ વગર પૂરી કરી શકાય.

માત્ર રશિયા જ નહીં, રિલાયન્સ હવે વૈશ્વિક સ્તરે પોતાના ઉર્જા કાર્ડ્સ ખૂબ જ સમજી-વિચારીને રમી રહી છે. કંપનીએ વેનેઝુએલા પાસેથી ફરીથી તેલ ખરીદવા માટે અમેરિકા પાસે વિશેષ મંજૂરી માંગી છે, જેથી રશિયન તેલ પરની નિર્ભરતામાં સંતુલન જાળવી શકાય. હાલમાં રિલાયન્સ સાઉદી અરેબિયા, ઇરાક અને કેનેડાથી પણ તેલ આયાત કરી રહી છે. ટ્રમ્પ વહીવટીતંત્ર ભલે ગમે તેટલા આકરા તેવર બતાવે, પરંતુ રિલાયન્સનું આ પગલું સાબિત કરે છે કે ભારતની કોર્પોરેટ શક્તિ હવે આંતરરાષ્ટ્રીય રાજદ્વારી દબાણો સામે ઝૂકવાને બદલે પોતાના આર્થિક ફાયદા અને પુરવઠાની સાંકળને વધુ મજબૂત બનાવવામાં માને છે.

(6:21 PM IST)