<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

ગઝનવી 'ભારતીય લૂંટારો' કે વિદેશી આક્રમણખોર? હામિદ અન્સારીના નિવેદનથી રાજકીય જંગ છેડાયો: ભાજપે કહ્યું- "આ બીમાર માનસિકતા છે"

સોમનાથ મંદિર તોડનારને 'ભારતીય' કહેવા પર ભાજપ લાલઘૂમ: પૂર્વ ઉપરાષ્ટ્રપતિના નિવેદને ઈતિહાસના પાનાઓમાં લગાવી આગ : કોંગ્રેસને "આધુનિક મુસ્લિમ લીગ" કહી ભાજપે કર્યા આકરા પ્રહારો

નવી દિલ્હી:  દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીના એક વિવાદાસ્પદ નિવેદને દેશભરમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. અન્સારીએ એક મુલાકાત દરમિયાન મહમૂદ ગઝનવી અને લોદી વંશ જેવા શાસકોને વિદેશી આક્રમણખોર માનવાને બદલે "ભારતીય લૂંટારુ" તરીકે ઓળખાવ્યા હતા. આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીએ આક્રમક વલણ અપનાવ્યું છે. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ આને "બીમાર વિચારસરણી" ગણાવીને કહ્યું હતું કે, જે આક્રમણખોરોએ ભારતીય સંસ્કૃતિ અને મંદિરો પર હુમલા કર્યા, તેમને ભારતીય ગણાવવા એ રાષ્ટ્રના આત્મસન્માન અને કરોડો લોકોની આસ્થાનું અપમાન છે.

આ મુદ્દાને લઈને ભાજપે કોંગ્રેસ અને તેના વિચારધારાના સમર્થકો પર ઈતિહાસને વિકૃત કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. શહઝાદ પૂનાવાલાએ સોશિયલ મીડિયા પર અન્સારીના નિવેદનનો વીડિયો શેર કરી સવાલ પૂછ્યો કે, શું મંદિરોનો નાશ કરનારાઓનું આ રીતે મહિમામંડન કરવું ઉચિત છે? તેમણે યાદ અપાવ્યું કે ગઝનવીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું, છતાં તેને ભારતીય કહીને તેની ક્રૂરતા પર પડદો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભાજપના નેતાઓએ કોંગ્રેસને "આધુનિક મુસ્લિમ લીગ" સાથે સરખાવતા કહ્યું કે, તૃષ્ટિકરણની રાજનીતિ માટે ઈતિહાસ સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.

ઈતિહાસના તથ્યો રજૂ કરતા ભાજપના પ્રવક્તાઓએ દલીલ કરી હતી કે મુઘલ કે અન્ય ઈસ્લામિક શાસકો બગદાદના ખલીફાના પ્રતિનિધિ તરીકે શાસન કરતા હતા, બરાબર તેમ જ જેમ બ્રિટિશ વાઈસરોય બ્રિટનના રાજાના પ્રતિનિધિ હતા. પ્રદીપ ભંડારીએ પણ આક્ષેપ કર્યો કે કોંગ્રેસ જાણીજોઈને આક્રમણખોરોની છબી સુધારવાનો પ્રયત્ન કરે છે. હાલમાં આ મુદ્દો સોશિયલ મીડિયાથી લઈને રાજકીય મંચો પર જોરશોરથી ગાજી રહ્યો છે, જેના કારણે આવનારી ચૂંટણીઓમાં ઈતિહાસ અને રાષ્ટ્રીય ઓળખના મુદ્દા ફરી એકવાર કેન્દ્રસ્થાને આવવાની શક્યતા છે.

(6:32 PM IST)