News of Friday, 30th January 2026
ચંડીગઢમાં બોમ્બની ધમકી: પંજાબ અને હરિયાણા સચિવાલયમાં દોડધામ, ઈમેલથી મળ્યો મુખ્યમંત્રી ભગવંત માનને મારી નાખવાનો સંદેશ
આ ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું અને સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

ચંડીગઢ સ્થિત પંજાબ અને હરિયાણા સચિવાલયમાં ગુરુવારે સવારે એક ધમકીભર્યો ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું અને સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરની ઓફિસમાં મળેલા આ ઈમેલમાં સચિવાલયને બોમ્બથી ઉડાવી દેવાની અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને નિશાન બનાવવાની ખુલ્લી ચેતવણી આપવામાં આવી હતી.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ધમકીભર્યો ઈમેલ 'માઈકલ ગિલ' નામના આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો. ઈમેલ મોકલનારે પોતાને ખાલિસ્તાની સમર્થક ગણાવ્યો હતો અને પંજાબ સરકારને પોલીસ એન્કાઉન્ટર્સ સામે ચેતવણી આપી હતી.
ગુરુવારે સવારે ૯ વાગ્યે ઓફિસ ખુલતાની સાથે જ સ્ટાફની નજર આ મેઈલ પર પડી હતી અને તુરંત જ સુરક્ષા અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ત્યાં સુધીમાં અનેક કર્મચારીઓ બિલ્ડિંગમાં પ્રવેશી ચૂક્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતા સવારે ૧૦ વાગ્યા સુધીમાં પોલીસ અને સુરક્ષા દળોએ ત્વરિત કાર્યવાહી કરીને તમામ કર્મચારીઓને સલામત રીતે બહાર કાઢ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં જ ચંડીગઢ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સચિવાલયની સુરક્ષા સંભાળતા સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ)ની સાથે સ્થાનિક પોલીસે પણ બિલ્ડિંગનો ખૂણેખૂણો તપાસ્યો હતો. પંજાબ અને હરિયાણા બંને રાજ્યોની પોલીસ ટીમો પણ એક્શનમાં આવી ગઈ હતી. કલાકો સુધી ચાલેલી તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી, પરંતુ સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સાયબર ક્રાઈમ બ્રાન્ચ આ ઈમેલના મૂળ સુધી પહોંચવા તપાસ કરી રહી છે.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
