<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

વોડાફોન આઈડિયાના શેરમાં ૧૩ ટકાનો ઉછાળો: ૪૫,૦૦૦ કરોડના રોકાણ અને ટર્નઅરાઉન્ડ પ્લાનથી તેજી

કંપનીના જણાવ્યા મુજબ આગામી ૧૨ થી ૧૮ માસમાં ૪જી નેટવર્કને સ્પર્ધકોની સમકક્ષ બનાવવા માટે મોટો ખર્ચ કરવામાં આવશે

ટેલિકોમ સેક્ટરની જાણીતી કંપની વોડાફોન આઈડિયા (વીઆઇ) દ્વારા પોતાના વ્યવસાયને ફરી બેઠો કરવા માટે જાહેર કરાયેલા મહત્વાકાંક્ષી પ્લાનને પગલે આજે શુક્રવારે તેના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી. બીએસઈ પર કંપનીનો શેર ૧૩ ટકા જેટલો ઉછળીને ૧૧.૩૬ રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો. 

 

કંપની મેનેજમેન્ટ દ્વારા નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા અને આક્રમક માર્કેટિંગ માટે આગામી ત્રણ વર્ષમાં ૪૫,૦૦૦ કરોડ રૂપિયાના જંગી રોકાણની જાહેરાત કરવામાં આવી છે, જેને રોકાણકારોએ વધાવી લીધી છે.

 

કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૬ થી ૨૦૨૯ દરમિયાન ડબલ ડિજિટ એટલે કે ૧૦ ટકાથી વધુ આવક વૃદ્ધિ અને હાલના EBITDA (કામકાજી નફો) ને ત્રણ ગણો કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. કંપનીના જણાવ્યા મુજબ, આગામી ૧૨ થી ૧૮ માસમાં ૪જી નેટવર્કને સ્પર્ધકોની સમકક્ષ બનાવવા માટે મોટો ખર્ચ કરવામાં આવશે. 

 

આ જાહેરાત બાદ ગ્લોબલ બ્રોકરેજ હાઉસિસમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. સિટી જેવી સંસ્થાઓએ આ પ્લાનને સકારાત્મક ગણાવીને ૧૪ રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે અને કહ્યું છે કે સરકાર દ્વારા દેવામાં રાહત અને ફંડ એકત્ર કરવું કંપની માટે મહત્વનું રહેશે.

 

બીજી તરફ, બેંક ઓફ અમેરિકા સિક્યુરિટીઝ જેવી સંસ્થાઓએ સાવચેતીનું વલણ અપનાવતા શેર માટે 'અંડરપરફોર્મ' રેટિંગ જાળવી રાખ્યું છે. તેમનું માનવું છે કે હરીફ કંપનીઓની સરખામણીએ ગ્રાહકો ગુમાવવાનું જોખમ વોડાફોન આઈડિયા પર સૌથી વધુ છે અને આગામી સમયમાં ટેરિફમાં વધારો થવાની શક્યતા પણ ઓછી દેખાઈ રહી છે. જોકે, રોકાણકારો હાલ તો કંપનીના  પ્લાન અને નેટવર્ક સુધારણાના વચનો પર ભરોસો મૂકીને શેરમાં ખરીદી કરી રહ્યા છે.

(7:25 PM IST)