તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
સાધ્વી પ્રેમ બૈસા મોત કેસ: પોસ્ટમોર્ટમ રિપોર્ટે વધાર્યું રહસ્ય, રિપોર્ટમાં એવું તે શું આવ્યું કે પોલીસ પણ ચકરાવે ચડી?
શરીર પર નથી ઈજાના નિશાન કે નથી ઝેરના અંશ! પિતા અને ગુરુ વીરમનાથ હવે શંકાના દાયરામાં, મેડિકલ એક્સપર્ટ્સની લેવાશે મદદ

જયપુર:રાજસ્થાનની જાણીતી સાધ્વી પ્રેમ બૈસાના મૃત્યુનું રહસ્ય ઉકેલાવાને બદલે વધુ જટિલ બની રહ્યું છે. જે પોસ્ટમોર્ટમ રિપોર્ટથી સત્ય બહાર આવવાની આશા હતી, તેણે પોલીસ અને તબીબી નિષ્ણાતોને વધુ મૂંઝવણમાં મૂકી દીધા છે. ન્યૂઝ18ના અહેવાલ મુજબ, પોસ્ટમોર્ટમમાં મૃત્યુનું કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી, જેને કારણે હવે પોલીસ મેડિકલ બોર્ડના અભિપ્રાયની રાહ જોઈ રહી છે.
સાધ્વીના પિતા અને ગુરુ વીરમનાથે દાવો કર્યો હતો કે 'ડેક્સોના' ઇન્જેક્શન આપ્યા બાદ સાધ્વીની તબિયત લથડી હતી અને તેમનું મૃત્યુ થયું હતું. જોકે, ડોકટરો આ દાવાને નકારી રહ્યા છે કારણ કે માત્ર એક સામાન્ય ઇન્જેક્શનથી વ્યક્તિનું મોત થવું અશક્ય જેવું છે.
: સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પોસ્ટમોર્ટમમાં ત્રણ ચોંકાવનારી બાબતો સામે આવી છે:
ઈજાનો અભાવ: સાધ્વીના શરીર પર બહારથી કે અંદરથી કોઈ પણ પ્રકારની ઈજા કે ઝપાઝપીના નિશાન મળ્યા નથી.
પ્રાથમિક તપાસમાં શરીરમાં કોઈ પણ પ્રકારના ઝેરી તત્વો હોવાના પુરાવા મળ્યા નથી.
મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે વિસેરા (શરીરના આંતરિક અંગોના નમૂના) સાચવી લેવામાં આવ્યા છે, જેને લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવશે.
આ સમગ્ર પ્રકરણમાં સાધ્વીના પિતા અને ગુરુ વીરમનાથની ભૂમિકા શંકાસ્પદ માનવામાં આવી રહી છે. પોલીસ તેમને પૂછપરછ માટે બોલાવવાની તૈયારી કરી રહી છે. શંકાના મુખ્ય કારણોમાં:
૧. ગંભીર હાલત હોવા છતાં એમ્બ્યુલન્સનો ઉપયોગ ન કરવો.
૨. પોસ્ટમોર્ટમ કરાવવા માટે પિતાનો આગ્રહ ન હોવો.
૩. ગત વર્ષે સાધ્વીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેમણે જીવનું જોખમ હોવાનું જણાવ્યું હતું.
બીજી તરફ, બાલોત્રા અને પારેઉ ગામમાં સાધ્વીની સમાધિ માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સંતો તેમના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા છે. પોલીસ હવે સાધ્વીના પિતા, આશ્રમના અંતેવાસીઓ અને પરિવારના સભ્યોના નિવેદનો નોંધીને આ 'ડેથ મિસ્ટ્રી' પરથી પડદો ઉઠાવવાનો પ્રયાસ કરશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
