<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

રિયલ એસ્ટેટમાં નવો ટ્રેન્ડ: શહેરની ભીડ છોડો, બહારના વિસ્તારો હવે ‘સોનાની ખાણ’ સાબિત થશે!

આર્થિક સર્વેક્ષણ ૨૦૨૬માં મોટો ખુલાસો: અમદાવાદ-સુરત સહિત ૧૬ શહેરોમાં પેરિફેરી ગ્રોથ રેશિયો ૧ થી વધુ, ટ્રાન્ઝિટ પ્રોજેક્ટ્સ બનશે ગેમ ચેન્જર

નવી દિલ્હી: અત્યાર સુધી રોકાણકારો અને રહેવાસીઓ શહેરના કેન્દ્રમાં મિલ્કત ખરીદવાને પ્રાથમિકતા આપતા હતા, પરંતુ હવે આ વલણ ઝડપથી બદલાઈ રહ્યું છે. ભારત સરકારના આર્થિક સર્વેક્ષણ ૨૦૨૫-૨૦૨૬ મુજબ, દેશના મેટ્રો અને ટાયર-૨ શહેરોના બહારના વિસ્તારો હવે વિકાસના નવા હોટસ્પોટ બની રહ્યા છે. અહીં જમીનની કિંમતોમાં ઉછાળો અને નવી ટાઉનશીપનો વિકાસ રોકાણકારો માટે મોટું આકર્ષણ બની રહ્યો છે.
રિપોર્ટના ડેટા અને સેટેલાઇટ ઇમેજરી દર્શાવે છે કે પુણે, હૈદરાબાદ અને અમદાવાદ જેવા શહેરોમાં મુખ્ય શહેર કરતા તેના સીમાવર્તી વિસ્તારોમાં રાત્રિના સમયે લાઇટ્સની તેજસ્વીતા વધુ વધી છે, જે ત્યાં થઈ રહેલા ઝડપી બાંધકામ અને વસ્તીના વસવાટનો સીધો પુરાવો છે. 
કેમ બહારના વિસ્તારો સોનામાં ફેરવાઈ રહ્યા છે?
આર્થિક સર્વેક્ષણ મુજબ, આ પરિવર્તન પાછળ મુખ્યત્વે બે કારણો જવાબદાર છે:
• FSI ના કડક નિયમો: શહેરોની અંદરના વિસ્તારોમાં ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI) ઓછો હોવાથી બહુમાળી ઇમારતો બાંધવી મુશ્કેલ છે, વળી ત્યાં જમીનના ભાવ આસમાને પહોંચ્યા છે. આથી બિલ્ડરો હવે શહેરની સીમા બહાર સસ્તા ભાવે જમીન લઈ મોટી ટાઉનશીપ બનાવી રહ્યા છે.
• નમો ભારત અને RRTS પ્રોજેક્ટ: રેપિડ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) જેવા પ્રોજેક્ટ્સે અંતર ઘટાડી દીધું છે. દિલ્હી-મેરઠ કોરિડોરના ઉદાહરણ સાથે સર્વેમાં જણાવાયું છે કે ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ (TOD) ને કારણે ગાઝિયાબાદ અને મેરઠ જેવા વિસ્તારોમાં નવી રોજગારી અને આવાસની તકો ઉભી થઈ છે.
 ગુજરાતના કયા શહેરો યાદીમાં મોખરે?
આર્થિક સર્વેક્ષણમાં દેશના જે ૧૬ મુખ્ય શહેરોનો ‘પરિઘ-ટુ-ગ્રોથ રેશિયો’ ૧ થી વધુ જોવા મળ્યો છે (એટલે કે મુખ્ય શહેર કરતા બહારનો વિકાસ ઝડપી છે), તેમાં ગુજરાતના ત્રણ મુખ્ય શહેરોનો સમાવેશ થાય છે:
૧. અમદાવાદ: પશ્ચિમ વિસ્તારમાં આ વલણ વધુ મજબૂત છે.
૨. સુરત: શહેરની પશ્ચિમ દિશામાં વિકાસની ગતિ તેજ બની છે.
૩. વડોદરા: વડોદરાના પશ્ચિમ પેરિફેરી વિસ્તારોમાં પણ રોકાણ વધ્યું છે.
આ સર્વે સૂચવે છે કે હવે રિયલ એસ્ટેટમાં નફો મેળવવા માટે શહેરના ટ્રાફિક અને ગીચતામાં રહેવાને બદલે હાઈવે અને કનેક્ટિવિટી ધરાવતા બહારના વિસ્તારોમાં રોકાણ કરવું વધુ સ્માર્ટ સાબિત થશે

(7:59 PM IST)