News of Saturday, 31st January 2026
બર્ગમને એટલા માટે મંત્રી બનાવ્યા, કારણ કે તેમની પત્ની સુંદર છેઃ ટ્રમ્પ
ટ્રમ્પની વિવાદિત ટિપ્પણીઃ ઘોડેસવાર કરતી બર્ગમની પત્ની કેથરિન પસંદ આવી ગઈ

વોશિંગ્ટન તા.૩૧: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આંતરિક બાબતોના મંત્રી ડગ બર્ગમને લઈને આપેલા એક નિવેદનથી વિવાદ સર્જાયો છે. ટ્રમ્પે વિવાદિત નિવેદનમાં જણાવ્યું હતું કે મેં બર્ગમને એટલા માટે મંત્રી બનાવ્યા છે, કારણ કે તેમની પત્ની કેથરિન પોતાને ખૂબ સુંદર લાગી હતી.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘‘મેં તેમને એક વિડિયોમાં ઘોડેસવારી કરતાં જોયા અને મેં પૂછ્યું‘આ કોણ છે?' હું તેમની નહીં, તેમની પત્નીની વાત કરી રહ્યો હતો.'' ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે ત્યારબાદ તેમના સહકર્મીઓએ સમજાવ્યું કે આ દંપતી કોણ છે અને એટલું જ મને પ્રભાવિત કરવા માટે પૂરતું હતું. પછી ટ્રમ્પે કહ્યું કે, ‘‘હું તેમની(બર્ગમ) નિમણૂક કરીશ, કારણ કે જે વ્યક્તિની પત્ની એટલી શાનદાર હોય, તેની સાથે હોવું એક અદભૂત બાબત છે.''
આ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ડગ બર્ગમના પણ વખાણ કરીને જણાવ્યું કે તેઓ સફળ ઉદ્યોગપતિ છે, નોર્થ ડકોટાના બે કાર્યકાળ માટે મજબૂત ગવર્નર રહ્યા છે અને તેમણે સારું કામ કર્યું છે. આ પ્રસંગે બર્ગમ અને કેથરિન પણ હાજર હતા. આ દરમિયાન ટ્રમ્પ વારંવાર કહેતા રહ્યા કે ડગ બર્ગમની સફળતામાં તેમની પત્નીની ભૂમિકા મહત્ત્વની રહી છે.
તેમ છતાં, ડોનાલ્ડ ટ્રમ્પની આ ટિપ્પણીઓ પર તરત જ ટીકા-ટિપ્પણી શરુ થઈ ગઈ. અનેક લોકોએ ટ્રમ્પની મનોવૃત્તિ અને ભાષા પર પ્રશ્નો ઉઠાવ્યા કે કેબિનેટની નિમણૂક માટે કોઈ મહિલાના રૂપ-સૌંદર્ય પર આટલો ભાર કેમ મૂકવામાં આવ્યો?
ઉલ્લેખનીય છે કે, મહિલાઓ પ્રત્યે પૂર્વગ્રહ અને તેમના દેખાવ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો ટ્રમ્પનો ઇતિહાસ જૂનો છે. અગાઉ પણ ટ્રમ્પે મહિલાઓ વિરોધી ટિપ્પણીઓ જેવી કે ‘‘ફેટ પિગ્સ,'' ‘‘ડોગ્સ'' અને ‘‘સ્લોબ્સ'' જેવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે આવી ટિપ્પણીઓ મહિલાઓ માટે અનુચિત મેસેજ આપે છે અને જાહેર પદો પર યોગ્યતા કરતાં બાહ્ય રૂપને મહત્વ આપવું તે બિલકુલ ખોટું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર એવા પણ આક્ષેપ થઈ ચૂક્યા છે તેઓ ક્ષમતાની બદલે મહિલાઓના રૂપ-રંગને વધુ મહત્વ આપે છે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
