News of Saturday, 31st January 2026
મોર્નિંગ વોકમાં મહિલાને પાડોશીનું કૂતરું કરડયું: ૫૦ ટાંકા આવ્યાં
કૂતરાના માલિક સામે પોલીસ ફરિયાદ : કૂતરાએ મોં, ગરદન, માથામાં દાંત અને નખ ભરાવીને ગંભીર ઈજા કરીઃ બેંગ્લુરુની ઘટના વાયરલ

બેંગ્લુરુ,તા.૩૧: બેંગ્લુરુના એચએસઆર વિસ્તારમાં આવેલી ટીચર્સ કોલોનીમાં મોર્નિગ વોક પર નીકળેલી મહિલા પર પાડોશીના પાલતું કૂતરાએ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત મહિલા સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ હજુય નાજુક છે. આ ઘટના પછી આખાય વિસ્તારમાં પાલતુ કૂતરાની સુરક્ષા અને દેખરેખ બાબતે સવાલો ઉઠ્યા છે.
મહિલા ઘરની સામે મોર્નિગ વોક કરતી હતી ત્યારે પાડોશીનું કૂતરું તેના પર તૂટી પડયું હતું. કૂતરાએ મહિલાને માથામાં, ગળામાં, ચહેરા પર, હાથ અને પગમાં નખ અને દાંત ભરાવ્યા હતા. તેનાથી મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. મહિલાને બચાવવાનો પ્રયાસ કરનારા લોકો પર પણ કૂતરાએ હુમલો કર્યો હતો.
ઘટનાસ્થળે ટોળું એકઠું થઈ ગયું હતું અને સૌએ મળીને જેમતેમ કરીને મહિલાને બચાવી હતી. લોહીલુહાણ થયેલી મહિલાને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ગરદન, માથા અને મોં પર એટલી ગંભીર ઈજા થઈ હતી કે ૫૦થી વધુ ટાંકાં લેવા પડયા હતા. આ ઘટના પછી મહિલાના પતિએ કૂતરાના માલિક અમરેશ રેડ્ડી પર લાપરવાહી રાખવા બદલ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે આ ઘટનામાં તપાસ હાથ ધરી છે. એ વ્યક્તિ તેના કૂતરાની યોગ્ય દેખરેખ રાખે છે ને સુરક્ષાનો ખ્યાલ રાખે છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. મહિલા હજુય સારવાર હેઠળ છે. મહિલાની શારીરિક-માનસિક સ્થિતિ હજુય નાજુક હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. સ્થાનિક લોકોએ પાલતુ કૂતરાઓ બાબતે સવાલો ઉઠાવ્યા છે અને તેમની દેખરેખ યોગ્ય રીતે થાય છે ને સુરક્ષાની વ્યવસ્થા તપાસવા રજૂઆત કરી છે.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
