News of Saturday, 31st January 2026
મહારાષ્ટ્રમાં ‘પવાર’ પર્વનો નવો અધ્યાય : અજિત પવારના પત્ની સુનેત્રા પવાર બનશે નવા ડેપ્યુટી CM : પુત્ર પાર્થ પવારને રાજ્યસભામાં મોકલવાની NCPની તૈયારી
અજિત પવારના આકસ્મિક નિધન બાદ સુનેત્રા પવાર આવતીકાલે સાંજે રાજભવનમાં લેશે શપથ : પ્રફુલ પટેલને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાય તેવી શક્યતા : બારામતી બેઠક પર પેટાચૂંટણી લડશે સુનેત્રા ઓવર : શરદ પવાર જૂથ સાથે વિલયની અટકળો પર વિરામ

મુંબઈ, તા. 31 જાન્યુઆરી : મહારાષ્ટ્રના રાજકારણના કદાવર નેતા અજિત પવારના વિમાન અકસ્માતમાં આકસ્મિક અવસાન બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નું સુકાન કોણ સંભાળશે તે ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. અજિત પવારના પત્ની સુનેત્રા પવારે દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી સરકારમાં ડેપ્યુટી સીએમ (નાયબ મુખ્યમંત્રી) પદ સ્વીકારવાની સંમતિ આપી દીધી છે. આ સાથે જ પરિવારના વારસાને આગળ ધપાવવા માટે મોટા પુત્ર પાર્થ પવારને રાજ્યસભામાં મોકલવાની વ્યૂહરચના ઘડાઈ છે.
આવતીકાલે શપથગ્રહણ અને જવાબદારીઓ
સૂત્રોના જણાવ્યા અનુસાર, શુક્રવારે સુનેત્રા પવારને NCP વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેઓ આવતીકાલે, શનિવાર (31 જાન્યુઆરી) ના રોજ સાંજે 5:00 વાગ્યે મુંબઈ રાજભવન ખાતે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેઓ તેમના પતિ અજિત પવારના નિધનથી ખાલી પડેલી બારામતી વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણી પણ લડશે. હાલમાં તેઓ રાજ્યસભાના સાંસદ છે, પરંતુ સરકારમાં જોડાયા બાદ તેઓ આ બેઠક ખાલી કરશે, જ્યાં તેમના પુત્ર પાર્થ પવારને ઉમેદવાર બનાવવામાં આવશે.
પક્ષનું સંગઠન અને નેતૃત્વ
અજિત પવારના નિધન બાદ એવી અટકળો તેજ બની હતી કે NCP ના બંને જૂથો (શરદ પવાર અને અજિત પવાર જૂથ) ફરી એક થઈ જશે, પરંતુ સુનેત્રા પવારના નેતૃત્વથી આ અટકળો પર વિરામ મુકાયો છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પ્રફુલ પટેલના નામની ચર્ચા ચાલી રહી છે, જોકે પાર્ટીના કાર્યકરોનો એક મોટો વર્ગ સુનેત્રા પવારને જ પક્ષની કમાન સોંપવાના પક્ષમાં છે.
અજિત પવારનું વિમાન અકસ્માતમાં નિધન
ઉલ્લેખનીય છે કે, 28 જાન્યુઆરીના રોજ બારામતીમાં થયેલા એક ગમખ્વાર વિમાન અકસ્માતમાં અજિત પવાર અને અન્ય ચાર લોકોના કરુણ મોત નીપજ્યા હતા. 29 જાન્યુઆરીએ તેમના પૈતૃક ગામ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને નીતિન નબીન સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
ભાજપ અને ફડણવીસનું સમર્થન
નાગપુરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથેની મુલાકાત બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, "NCP નાયબ મુખ્યમંત્રી પદ માટે જે પણ નિર્ણય લેશે, ભાજપ અને સરકાર તેનું સંપૂર્ણ સમર્થન કરશે. અમે અજિત દાદાના પરિવાર અને NCP ની સાથે મક્કમતાથી ઉભા છીએ."
અજિત પવાર મહાયુતિ સરકારમાં નાણાં, આયોજન અને આબકારી જેવા મહત્વના વિભાગો સંભાળતા હતા. હવે જોવાનું એ રહેશે કે સુનેત્રા પવારને કયા મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવે છે. (આજતક વેબસાઈટ માંથી સાભાર)
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
