<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

ગોલ્‍ડ માર્કેટે માત્ર ૨૪ કલાકમાં ૬.૩ ટ્રિલિયન ડોલર ગુમાવ્‍યા

ઈતિહાસનું સૌથી મોટું ધોવાણઃ કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાંથી અંદાજે ડોલર ૬.૩ ટ્રિલિયન (રૂા.૫૨૫ લાખ કરોડથી વધુ) ગુમાવ્‍યા

મુંબઇ તા.૩૧: સોનાના બજારમાં અત્‍યારે જે થઈ રહ્યું છે તે ઈતિહાસમાં ક્‍યારેય નથી થયું. છેલ્‍લા ૨૪ કલાકમાં સોનાના માર્કેટ કેપમાં જે ધોવાણ થયું છે, તેણે આખા વિશ્વના અર્થતંત્રમાં ફફડાટ ફેલાવી દીધો છે. ગઈકાલે જ સોનામાં એક જ દિવસમાં મોટી ઉથલ પાથલ વચ્‍ચે ભયાનક ક્રેશની સ્‍થિતિ પણ જોવા મળી. સોનું એક જ દિવસમાં લગભગ ૩૩૦૦૦ રૂપિયાથી વધુ તૂટીને ૧૫૦૦૦૦ પ્રતિ ગ્રામની આસપાસ આવી ગયું હતું.

તાજા અહેવાલો મુજબ, સોનાના બજારમાં છેલ્‍લા ૨૪ કલાકમાં ઇતિહાસનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. સોનાએ તેના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાંથી અંદાજે ડોલર ૬.૩ ટ્રિલિયન (રૂા.૫૨૫ લાખ કરોડથી વધુ) ગુમાવ્‍યા છે. આ ઘટાડો એટલો મોટો છે કે તેની સરખામણી વિશ્વના ઘણા મોટા દેશોની જીડીપી (GDP) સાથે પણ થઈ શકે તેમ નથી.

જો આ નુકસાનની ગણતરી સમય મુજબ કરવામાં આવે તો આ આંકડા વધુ ભયાનક લાગે છે. છેલ્‍લા ૨૪ કલાકમાં સતતઃ

દર કલાકેઃ ૨૬૩ બિલિયન ડોલરનું નુકસાન

દર મિનિટેઃ  અંદાજે ૪.૩૮ બિલિયન ડોલરનું નુકસાન આ પ્રકારનો ડ્રો-ડાઉન સોનાના હજારો વર્ષના ઈતિહાસમાં ક્‍યારેય જોવા મળ્‍યો નથી. ગત અઠવાડિયે સોનામાં જે વોલેટિલિટી જોવા મળી હતી, આજના કડાકાએ તેના તમામ રેકોર્ડ તોડી નાખ્‍યા છે.

નિષ્‍ણાંતોના મતે, આ માત્ર એક સામાન્‍ય ઘટાડો નથી પણ હિસ્‍ટોરિક ટ્રેડિગ કન્‍ડિશન છે. મોટા સંસ્‍થાકીય રોકાણકારો દ્વારા એકસાથે કરવામાં આવેલી વેચવાલી અને આંતરરાષ્ટ્રીય સ્‍તરે બદલાતા આર્થિક સમીકરણો આ માટે જવાબદાર હોઈ શકે છે.

(10:46 AM IST)