<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

બ્રિટિશ કાળની પરંપરાનો ત્યાગ કરીને ભારતનું સ્વદેશીના માર્ગે પ્રયાણ

બજેટ રજૂ કરવાના સમય અને તારીખમાં ફેરફાર, બ્રીફકેસના સ્થાને 'બહી-ખાતા' જેવા લાલ કાપડનો ઉપયોગ અને 'બીટિંગ રિટ્રીટ'' સમારોહનું સમાપન 'વંદે માતરમ' સાથે થવું જેવી ઘટનાથી સંસ્થાનવાદી કાળની રૂઢિચુસ્ત પરંપરાઓને તોડી પાડી

નવી દિલ્હી :છેલ્લા કેટલાક દાયકાઓમાં, ખાસ કરીને ભાજપના નેતૃત્વમાં, ભારત ધીમે-ધીમે સ્વદેશી દ્રષ્ટિકોણ તરફ આગળ વધી રહ્યું છે અને બ્રિટિશ કાળની પ્રથાઓથી દૂર જઈ રહ્યું હોય તે સ્પષ્ટપણે દેખાય છે.

બજેટ રજૂ કરવાના સમય અને તારીખમાં ફેરફાર, બ્રીફકેસના સ્થાને 'બહી-ખાતા' જેવા લાલ કાપડનો ઉપયોગ અને 'બીટિંગ રિટ્રીટ-Beating Retreat'' સમારોહનું સમાપન 'વંદે માતરમ' સાથે થવું, આ એવી ઘટનાઓ છે જેના પર ઊંડા અવલોકન અને અભ્યાસની જરૂર છે. આ ફેરફારો દર્શાવે છે કે ભારત કેવી રીતે સંસ્થાનવાદી કાળની પ્રવૃત્તિઓ અને પરંપરાઓથી સતત દૂર થઈ રહ્યું છે.

છેલ્લા ત્રણ દાયકામાં, ભારતે સંસ્થાનવાદી કાળની પ્રથાઓને ત્યાગવા માટે નિરંતર પગલાં લીધાં છે, જે શાસન, નાણા અને રાષ્ટ્રીય પ્રતીકોમાં સ્વદેશી દ્રષ્ટિકોણ તરફના વ્યાપક બદલાવને દર્શાવે છે. લંડન-કેન્દ્રિત બજેટ પરંપરાઓને સમાપ્ત કરવા અને લાંબા ગાળાની નાણાકીય પરંપરાઓમાં સુધારો કરવાથી લઈને બ્રિટિશ શાસનમાં મૂળ ધરાવતા ઔપચારિક રીત-રિવાજોને નવું સ્વરૂપ આપવા સુધી, આ ફેરફારો રાજ્યની પ્રથાઓને વારસામાં મળેલા સંસ્થાનવાદી ધોરણોને બદલે ભારતની પોતાની પ્રાથમિકતાઓ, ઇતિહાસ અને ઓળખ સાથે જોડવાનો એક સભાન પ્રયાસ છે.

 

1999 સુધી બજેટ-Indian Union Budget સાંજે 5 વાગ્યે રજૂ કરવામાં આવતું હતું, આ પરંપરા સંસ્થાનવાદી કાળથી ચાલી આવતી હતી. આ સમય બ્રિટિશ સરકાર માટે અનુકૂળ હતો, જેનાથી તેઓ લંડન અને ભારતમાં એકસાથે જાહેરાતો કરી શકતા હતા. કારણ કે ભારત બ્રિટન કરતા 5 કલાક 30 મિનિટ આગળ છે, તેથી ભારતમાં સાંજના 5 વાગ્યાનો સમય GMT (ગ્રીનવિચ મીન ટાઈમ) મુજબ સવારના 11:30 વાગ્યાનો હતો, જે બ્રિટિશ સરકાર માટે બજેટની જાહેરાતોનું સંકલન કરવાનું સરળ બનાવતું હતું. ભારતની આઝાદી પછી પણ, સાંજે 5 વાગ્યાનો સમય યથાવત રહ્યો, જે સંસ્થાનવાદી પ્રભાવ દર્શાવે છે.

 

સૌ પ્રથમ  ફેરફાર 1999માં થયો, જ્યારે અટલ બિહારી વાજપેયીજીના નેતૃત્વવાળી સરકારમાં નાણામંત્રી રહેલા યશવંત સિંહાએ બજેટ રજૂ કરવાનો સમય સવારે 11 વાગ્યે કરવાનો નિર્ણય લીધો. તેમણે આ નિર્ણય બે મુખ્ય કારણોસર લીધો હતો.

  • પ્રથમ કારણ: ભારતને એ સ્વીકારવું પડશે કે તે હવે બ્રિટિશ શાસન હેઠળ નથી અને તેને લંડનના ટાઈમ ઝોનને અનુસરવાની જરૂર નથી.

  • બીજું કારણ: આનાથી સાંસદો અને અધિકારીઓને બજેટ વાંચવા અને તેના પર ચર્ચા કરવા માટે વધુ સમય મળી રહે.

 

પહેલા બજેટ ફેબ્રુઆરીના છેલ્લા દિવસે રજૂ કરવામાં આવતું હતું. પાછળથી, પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીજીએ આ પ્રથા બદલી નાખી અને બજેટને 1 ફેબ્રુઆરીથી રજૂ કરવાનું શરૂ કર્યું. આ ફેરફાર નવા નાણાકીય વર્ષની શરૂઆત એટલે કે 1 એપ્રિલથી નવી બજેટ નીતિઓના સરળ અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યો હતો. આ વધારાના એક મહિનાના સમયથી સરકારને બજેટ યોજનાઓને અમલમાં મૂકવા માટે વધુ વ્યવહારુ સમય મળ્યો.

 

(2:37 PM IST)