News of Saturday, 31st January 2026
ઈરાનના વ્યૂહાત્મક બંદર અબ્બાસ શહેરમાં પ્રચંડ વિસ્ફોટ: 8 માળની ઈમારતના ફૂરચા ઉડ્યા!
ગલ્ફ રિજનમાં વધતા તણાવ વચ્ચે ઈરાની શહેરમાં થયેલા ધડાકાથી ફફડાટ; કારણ હજુ પણ રહસ્ય, અનેક વાહનો અને દુકાનો કાટમાળમાં ફેરવાયા.

તેહરાન: પશ્ચિમ એશિયામાં જ્યારે યુદ્ધ અને સંઘર્ષના વાદળો ઘેરાયેલા છે, ત્યારે શનિવારે સાંજે ઈરાનના મહત્વના ગલ્ફ શહેર બંદર અબ્બાસમાં એક પ્રચંડ વિસ્ફોટ થતા અફરાતફરી મચી ગઈ છે. શહેરના વ્યસ્ત ગણાતા મોઆલેમ બુલવાર્ડ વિસ્તારમાં આવેલી એક આઠ માળની ઇમારત આ ધડાકાનો ભોગ બની હતી. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ઇમારતના બે માળ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા હતા અને આસપાસ ઉભેલા વાહનોના ફૂરચા ઉડી ગયા હતા.
ઘટનાસ્થળે યુદ્ધના દ્રશ્યો
ઈરાની રાજ્ય મીડિયા (IRNA) દ્વારા બહાર પાડવામાં આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે ઇમારતનો આગળનો ભાગ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો છે. ઇમારતના આંતરિક ભાગો ખુલ્લા પડી ગયા છે અને રસ્તાઓ પર કાટમાળનો ખડકલો થઈ ગયો છે. સ્થાનિક અગ્નિશામક દળ અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. હોર્મોઝગન પ્રાંતના કટોકટી વ્યવસ્થાપન અધિકારી મેહરદાદ હસનઝાદેહના જણાવ્યા મુજબ, ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જોકે સદનસીબે હજુ સુધી કોઈના મોતના અહેવાલ મળ્યા નથી.
વિસ્ફોટનું કારણ હજુ અકબંધ
આ વિસ્ફોટ પાછળનું કારણ શું હતું તે હજુ પણ એક મોટું રહસ્ય છે. શું આ કોઈ ટેકનિકલ ખામી અથવા ગેસ લીકેજની ઘટના છે કે પછી કોઈ તોડફોડની કાર્યવાહી, તે અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. તપાસ ટીમો કાટમાળની તપાસ કરી રહી છે.
વૈશ્વિક તણાવની પૃષ્ઠભૂમિ
આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધો ચરમસીમાએ પહોંચ્યા છે. તાજેતરમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક નિવેદન બાદ અમેરિકાએ આ વિસ્તારમાં પોતાનું વિમાનવાહક જહાજ તૈનાત કર્યું છે. આવી તણાવપૂર્ણ સ્થિતિમાં ઈરાનના મુખ્ય બંદર પર થયેલો વિસ્ફોટ અનેક આશંકાઓ જન્માવી રહ્યો છે.
બંદર અબ્બાસ એ ઈરાનનું સૌથી મહત્વનું નૌકાદળ મથક અને વ્યાપારી બંદર છે, જે હોર્મુઝની સામુદ્રધુની નજીક આવેલું છે. આ સ્થળની સંવેદનશીલતાને કારણે સમગ્ર વિશ્વની નજર હવે આ ઘટનાની તપાસ પર ટકેલી છે.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
