News of Saturday, 31st January 2026
આસામની ચા હવે શૂન્ય ટેરિફ સાથે યુરોપના ૨૭ દેશોમાં નિકાસ થશે : આસામની ચા માટે એક વિશાળ બજાર ખુલશે: ગૃહમંત્રી અમિતભાઈ શાહનો દાવો
આ નવા કરારથી આસામની ચા માટે એક વિશાળ બજાર ખુલશે: હવે આસામના બગીચાઓની ચા પેરિસ અને બર્લિન જેવા શહેરો સુધી પહોંચશે

નવી દિલ્હી : ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે સૂચિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) આસામના ચા ઉદ્યોગ માટે મોટી ભેટ સમાન સાબિત થવાનો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે દિબ્રુગઢમાં એક જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે આસામની ચા ટૂંક સમયમાં જ શૂન્ય ટેરિફ એટલે કે કોઈપણ પ્રકારના ટેક્સ વિના યુરોપના ૨૭ દેશોમાં નિકાસ કરવામાં આવશે. તેમણે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વવાળા વહીવટીતંત્ર દ્વારા વૈશ્વિક ટેરિફના દબાણનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ નવા કરારથી આસામની ચા માટે એક વિશાળ બજાર ખુલશે.
શાહે વિશેષમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આસામની ચા માટે વૈશ્વિક દરવાજા ખોલી દીધા છે, જેના કારણે હવે અહીંના બગીચાઓની ચા પેરિસ અને બર્લિન જેવા શહેરો સુધી પહોંચશે. આ સમજૂતી ૨૦૦૭થી ચાલી રહેલી વાટાઘાટોનું પરિણામ છે.
યુરોપિયન યુનિયન ભારતીય નિકાસના ૯૯.૫ ટકા પરથી ટેરિફ દૂર કરશે, જ્યારે ભારત યુરોપિયન માલસામાનના ૯૭ ટકા પર શુલ્ક ઘટાડશે અથવા દૂર કરશે. આ કરારથી વાર્ષિક અબજો યુરોની ડ્યુટી બચશે અને ભારતીય ચા વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનશે, જેનાથી ચાના બગીચાના માલિકો અને કામદારો બંનેને ફાયદો થશે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
