News of Saturday, 31st January 2026
કાશ્મીરમાં ૪૦ દિવસની હાડ થીજવતી ઠંડીના ‘ચિલ્લાઈ કલાં’નો આજથી અંત : આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી
શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઇનસ ૧.૩ ડિગ્રી: હવે પછીના ૨૦ દિવસ ‘ચિલ્લાઈ ખુર્દ’ તરીકે ઓળખાશે જેમાં ઠંડીનું જોર થોડું ઘટશે

કાશ્મીર ખીણમાં રાત્રિના તાપમાનમાં થોડો વધારો: કડકડતી ઠંડીમાંથી આંશિક રાહત મળી: જો કે આગામી બે દિવસ જમ્મુ - કાશ્મીરના અનેક વિસ્તારોમાં વાતાવરણ પલટાશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ભારે વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે
જમ્મુ-કાશ્મીરમાં ૪૦ દિવસના હાડ થીજવતી ઠંડીના સમયગાળા ‘ચિલ્લાઈ કલાં’નો આજે સત્તાવાર રીતે અંત આવ્યો છે. ૩૦મી જાન્યુઆરીએ આ સમયગાળો પૂર્ણ થતાં ખીણમાં રાત્રિના તાપમાનમાં થોડો વધારો જોવા મળ્યો છે, જેનાથી લોકોને કડકડતી ઠંડીમાંથી આંશિક રાહત મળી છે.
જોકે, હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના અનેક વિસ્તારોમાં વાતાવરણ પલટાશે અને પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થવાને કારણે ભારે વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૩૧ જાન્યુઆરી અને ૧લી ફેબ્રુઆરીના રોજ આકાશ વાદળછાયું રહેશે અને ઉંચાઈવાળા વિસ્તારોમાં બરફીલા તોફાન સાથે હિમવર્ષા થઈ શકે છે.
શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઇનસ ૧.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા વધારે છે. હવે પછીના ૨૦ દિવસ ‘ચિલ્લાઈ ખુર્દ’ તરીકે ઓળખાશે જેમાં ઠંડીનું જોર થોડું ઘટશે. તંત્ર દ્વારા પ્રવાસીઓ અને ખેડૂતોને સાવચેત રહેવા અને બરફીલા વિસ્તારોમાં જવાનું ટાળવા માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. ગુલમર્ગ જેવા પ્રવાસન સ્થળોએ હજુ પણ તાપમાન માઈનસમાં છે, પરંતુ પ્રવાસીઓ દાલ સરોવર અને બરફથી ઢંકાયેલા પર્વતોનો નજારો માણી રહ્યા છે
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
