<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

ભારત સામે ફાઈનલ મેચ હોય તો પણ અમે નહીં રમીએ : પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રશિદ લતીફનું વિવાદાસ્પદ નિવેદન

રાશિદે કહ્યું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી) નિર્ણય લેવામાં મોડું કર્યું છે. જ્યારે બાંગ્લાદેશ પાસેથી યજમાન પદ છીનવાયું ત્યારે જ પાકિસ્તાને આકરો વિરોધ નોંધાવવો જોઈતો હતો

નવી દિલ્હી : ચાલુ વર્ષ ૨૦૨૬માં યોજાનારા ટી-૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ભાગીદારી અને ભારત સાથેની મેચને લઈને અટકળોનું બજાર ગરમ છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર રશિદ લતીફે એક વિવાદાસ્પદ અને આક્રમક નિવેદન આપીને ચર્ચા જગાવી છે. તેમણે કહ્યું છે કે હવે પાકિસ્તાન માટે ટુર્નામેન્ટનો બહિષ્કાર કરવાનો સમય વીતી ગયો છે, પરંતુ પાકિસ્તાન સરકાર અને ક્રિકેટ બોર્ડ હજુ પણ ભારત સામે ન રમવાનો નિર્ણય લઈ શકે છે. 
લતીફે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો વર્લ્ડ કપની ફાઈનલમાં પણ ભારત અને પાકિસ્તાન આમને-સામને આવે તો પણ પાકિસ્તાને રમવું જોઈએ નહીં.
તેમણે કહ્યું કે, "જો સરકાર કહેશે કે અમે ભારત સામે નહીં રમીએ, તો આઈસીસીએ તે સ્વીકારવું પડશે." લતીફના મતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી) નિર્ણય લેવામાં મોડું કર્યું છે. જ્યારે બાંગ્લાદેશ પાસેથી યજમાન પદ છીનવાયું ત્યારે જ પાકિસ્તાને આકરો વિરોધ નોંધાવવો જોઈતો હતો. 
હવે ટીમ કોલંબો જવા માટે તૈયાર છે ત્યારે સંપૂર્ણ બહિષ્કાર મુશ્કેલ છે. જોકે, તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત સામેની મેચનો બહિષ્કાર કરીને પાકિસ્તાન પોતાનો વિરોધ નોંધાવી શકે છે. લતીફનું આ નિવેદન પીસીબીની હાલની અવઢવ અને આંતરિક દબાણને ઉજાગર કરે છે.

(7:29 PM IST)