News of Saturday, 31st January 2026
હોલીવુડ એક્ટ્રેસ માર્ગોટ રોબીના ગળામાં 'તાજમહેલ' હાર જોઈ ભારતીયો લાલચોળ: "આ તો નૂરજહાંની અમાનત છે!"
મુઘલકાલીન રત્ન પહેરીને પ્રીમિયરમાં પહોંચી 'બાર્બી' ગર્લ; ઐતિહાસિક હારને એલિઝાબેથ ટેલરનો ગણાવતા સોશિયલ મીડિયા પર આક્રોશ ફાટી નીકળ્યો.

લોસ એન્જલસ: હોલીવુડની જાણીતી અભિનેત્રી માર્ગોટ રોબી હાલમાં એક મોટા વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે. લોસ એન્જલસમાં ફિલ્મ 'વુધરિંગ હાઇટ્સ'ના પ્રીમિયર દરમિયાન તેણે જે કિંમતી હાર પહેર્યો હતો, તેના કારણે ભારતીય નેટીઝન્સમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. વિવાદ ત્યારે વધ્યો જ્યારે માર્ગોટે આ હારને હોલીવુડ લેજન્ડ 'એલિઝાબેથ ટેલર'નો હોવાનું જણાવ્યું, પણ હકીકતમાં તેનો ઇતિહાસ ભારતના મુઘલ સામ્રાજ્ય સાથે જોડાયેલો છે.
શું છે આ હારનો અસલી ઇતિહાસ?
માર્ગોટ રોબીએ પહેરેલો આ 'તાજમહેલ નેકલેસ' અત્યંત દુર્લભ છે. ઇતિહાસ મુજબ, આ હાર મુઘલ સમ્રાટ જહાંગીરે પોતાની પત્ની નૂરજહાંને ભેટમાં આપ્યો હતો. બાદમાં તે શાહજહાં પાસે આવ્યો અને તેણે પોતાની પત્ની મુમતાઝ મહેલને આપ્યો હતો. હાર પરના પેન્ડન્ટ પર ફારસી ભાષામાં નૂરજહાંનું નામ અને 'લેડી ઓફ ધ પાદશાહ' જેવા બિરુદો કોતરેલા છે. ૧૭મી સદીનો આ શાહી હાર ભારતની વિરાસતનો એક અણમોલ હિસ્સો છે.
ભારતીયોનો આક્રોશ: "અમારી સંસ્કૃતિની ચોરી બંધ કરો"
સોશિયલ મીડિયા પર ભારતીય યુઝર્સે માર્ગોટ રોબી અને જ્વેલરી બ્રાન્ડ કાર્ટિયર (Cartier) ની આકરી ટીકા કરી છે. લોકોનું કહેવું છે કે પશ્ચિમી દેશો ભારતીય રત્નોને પોતાના નામે ચડાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "આ ચોરાયેલી મિલકત છે, અમને અમારા ઝવેરાત પાછા આપો." જ્યારે અન્ય એક યુઝરે પોતાને નૂરજહાંના વંશજ ગણાવતા કહ્યું કે, "માર્ગોટનું નિવેદન અપમાનજનક છે, આ હાર એલિઝાબેથ ટેલરનો નહીં પણ ભારતનો છે."
કેવી રીતે ભારતની બહાર ગયો આ હાર?
આ ઐતિહાસિક હાર ભારતથી અમેરિકા પહોંચ્યો હતો, જ્યાં ૧૯૭૨માં અભિનેતા રિચાર્ડ બર્ટને એલિઝાબેથ ટેલરના ૪૦માં જન્મદિવસ પર તેને અંદાજે ૨.૮ કરોડ રૂપિયા ($350,000) માં ખરીદ્યો હતો. વર્ષો પછી, એક હરાજી દરમિયાન કાર્ટિયર બ્રાન્ડે તેને આશરે ૭૩ કરોડ રૂપિયા ($8.8 મિલિયન) માં ખરીદી લીધો હતો.
ભારતીય ઇતિહાસકારો અને કલાપ્રેમીઓ હવે આ રત્નોને ભારત પરત લાવવાની માંગ કરી રહ્યા છે. માર્ગોટ રોબી જેવા સેલિબ્રિટીઝ દ્વારા આવા ઐતિહાસિક દાગીનાને 'વ્યક્તિગત એક્સેસરી' તરીકે વાપરવું તે ભારતીય સંસ્કૃતિનું અપમાન હોવાનું માનવામાં આવી રહ્યું છે.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
